Kutch Flood: કચ્છ પર આવેલી કુદરતી આફતમાં એકપણ મહામૂલી જીંદગી જોખમમાં ન મુકાય એ માટે જિલ્લાનું વહીવટીતંત્ર ખડેપગે કામગીરી કરી રહ્યું છે. આ જ અભિગમને સાર્થક કરતી કામગીરી આજરોજ માંડવી તાલુકામાં દરિયાકાંઠાના ગુંદીયાળી ગામમાં મીઠાની કંપનીમાં કામ કરનારા અને કંપની આસપાસ વરસાદી પાણી ફરી વળતા મુસીબતમાં ફસાયેલા 2 મજૂરોનું રેસ્કયું કરવામાં આવ્યું હતું.
આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી એ.એસ.હાશ્મીએ જણાવ્યું હતું કે, માંડવી તાલુકામાં વરસેલા ભારે વરસાદના પગલે દરિયાકાંઠાના ગુંદીયાળી ગામ પાસે મરીન સોલ્ટ વર્કસમાં કામ કરતા બે મજૂરો 3 થી 4 ફૂટ પાણી ફરી વળતા કંપની નજીક જ ફસાઇ ગયા હતા. તેઓએ નજીકના ઉંચા ટેકરા પર આશરો લીધો હતો. પાણીનો ભરાવો તથા દલદલ વાળો વિસ્તાર હોવાથી જેસીબી, ટ્રેકટર કે હોડીથી અંદર 3 કિ.મી જવું મુશ્કેલ હતું.
આ દરમિયાન વહીવટીતંત્ર મોબાઇલથી મજૂરોના સતતમાં સંપર્કમાં રહીને તેની સ્થિતિની જાણકારી મેળવી રહ્યું હતું. પાણીનો ભરાવો એટલો વધુ હતો કે, 29 ઓગસ્ટના સવારે પ્રયાસ કરવા છતાં સફળતા ન મળતા ફરી ફરી રાત્રે 2 વાગ્યે દલદલવાળા વિસ્તારમાં જવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ સફળતા મળી ન હતી.
આ દરમિયાન સમગ્ર રાત્રિના કલેકટર અમિત અરોરા તથા અધિક નિવાસી કલેકટર મિતેશ પંડયા સતત અધિકારીઓના સંપર્કમાં રહીને માર્ગદર્શન સાથે પળપળની માહિતી મેળવીને મજૂરોની સતત ચિંતા સેવી રહ્યા હતા. અંતે 30 ઓગસ્ટે સવારે 7 કલાકે ફરી રેસ્કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
રેસ્કયુ ઓપરેશનમાં એનડીઆરએફના 9 જવાનો, ડીએસઓ એ.એસ.હાશ્મી, સર્કલ ઓફીસર વિજયસિંહ જાડેજા જોડાયા હતા. મજૂરોએ જયાં આશરો લીધો હતો ત્યાં પહોંચવા સતત 3 કિ.મી દલદલવાળા વિસ્તારમાં ચાલીને 3 કલાકના અંતે ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં સફળતા મળી હતી. 3 થી 4 ફૂટ સુધી ભરાયેલા પાણી તથા દલદલ વચ્ચે જીવના જોખમે અધિકારીઓ તથા એનડીઆરએફના જવાનોએ ચાલીને બે જીદંગીને બચાવી રાજય સરકારના માનવીય અભિગમના દ્રષ્ટિકોણને સાર્થક કર્યો હતો.
