Kutch Earthquake: કચ્છમાં 2 મિનિટના અંતરે ભૂકંપના બે આંચકાથી ગભરાટ, ખરા બપોરે અચાનક ધરતી ધણધણી ઉઠતા લોકો ઘરની બહાર દોડ્યા

આજે કચ્છમાં બે મિનિટના અંતરે 3.6 અને 3.2 તીવ્રતાના બે ભૂકંપના આંચકા અનુભવાયા, જેનાથી લોકોમાં ભય ફેલાયો. જાનહાનિ ન હોવા છતાં, ભયભીત લોકો ઘરોમાંથી બહાર દોડી આવતા અફરાતફરી મચી ગઈ હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 16 Jul 2026 05:03 PM (IST)Updated: Thu, 16 Jul 2026 05:09 PM (IST)
kutch-earthquake-today-two-tremors-hit-khavda-and-dholavira-on-ashadhi-beej

Kutch Earthquake Today: આજે કચ્છમાં માત્ર 2 મિનિટના અંતરે ભૂકંપમાં બે આંચકા નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે આ ભૂકંપમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ ભયના માર્યા લોકો ઘરની બહાર દોડી આવતા અફરાતફરી મચી જવા પામી હતી.

આજે બપોરે 2:20 કલાકે કચ્છના ખાવડા વિસ્તારમાં 3.6ની તીવ્રતાનો ભૂંકપનો પ્રથમ આંચકો આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી 32 કિલોમીટર દૂર નોંધાયું હતુ. જેની અસર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનુભવાઈ હતી.

પ્રથમ આંચકાની બે મિનિટ બાદ એટલે કે 2:22 કલાકે કચ્છના ધોળાવીરા નજીક બીજો ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2ની નોંધાઈ હતી. તેમજ તેનું કેન્દ્ર બિંદુ ધોળાવીરાથી 32 કિલોમીટર દૂર નોંધાયું હતુ.

ઉલ્લેખનીય છે કે, ભૂકંપ ઝોન-5માં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા રહે છે. ગાંધીનગર સ્થિત સીસ્મોલોજી કચેરીના આંકડા અનુસાર, અગાઉ 22 એપ્રિલ, 2025ના રોજ રાતે 11:26 કલાકે કચ્છના દૂધઈથી ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં 17 કિમી દૂર કેન્દ્રબિંદુ ધરાવતો 5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાની અસર આખા કચ્છ જિલ્લામાં અનુભવાઈ હતી. જેના પગલે રાતે ભરનિંદ્રામાં સૂતેલા લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા.