India Pakistan Tensions: ગુજરાત બોર્ડર પર પાકિસ્તાની ડ્રોન દેખાયા, કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ફરીથી બ્લેકઆઉટની ઘોષણા

બન્ને દેશો સીઝફાયર માટે સહમત થયાના 4 કલાક બાદ જ પાકિસ્તાને શરતોનું ઉલ્લંઘન કરીને સરહદી વિસ્તારોમાં હુમલો કર્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 10 May 2025 10:03 PM (IST)Updated: Sat, 10 May 2025 10:03 PM (IST)
india-pakistan-tensions-blackout-implement-in-kutch-banaskantha-and-patan-district-after-drone-attack
HIGHLIGHTS
  • કચ્છના આકાશમાં ડ્રોન દેખાતા તાત્કાલિક અસરથી બ્લેકઆઉટનો નિર્ણય

India Pakistan Tensions: સીઝફાયરની જાહેરાત છતાં રઘવાયા બનેલા પાકિસ્તાને માત્ર 4 કલાકમાં જ યુદ્ધ વિરામની શરતોનો ભંગ કરીને ફરીથી દેશના સરહદી જિલ્લાઓમાં ફાયરિંગ અને ડ્રોનથી હુમલા કરવાનું શરૂ કરી દીધું છે. જેના પગલે ગુજરાતના સરહદી જિલ્લાઓમાં ફરીથી બ્લેકઆઉટની ઘોષણા કરવામાં આવી છે.

હકીકતમાં પાકિસ્તાન હુમલો કરે તેવી આશંકાને જોતા કચ્છ જિલ્લામાં આજે પણ બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતુ. જો કે મોડી સાંજે વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય દ્વારા પત્રકાર પરિષદ સંબોધીને બન્ને દેશો સીઝફાયર માટે સહમત થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતુ. જે બાદ સાંજે સાડા 7 કલાકે જિલ્લા કલેક્ટરે બ્લેકઆઉટનો નિર્ણય રદ્દ કરી દીધો હતો.

જો કે મોડી સાંજે કચ્છના આકાશમાં કેટલાક ડ્રોન દેખાતા જિલ્લામાં ફરીથી બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી છે. આ સંદર્ભે કચ્છ જિલ્લા કલેક્ટર અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સત્તાવાર જાણકારી આપવામાં આવી છે.

આવી જ રીતે બનાસકાંઠા જિલ્લાના વાવ અને સૂઈગામ તાલુકાના પાકિસ્તાનની સરહદ નજીક આવેલા 24 જેટલા ગામોમાં પણ તાત્કાલિક અસરથી બ્લેકઆઉટની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ તમામ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.

બનાસકાંઠા ઉપરાંત પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના તમામ ગામોમાં બ્લેકઆઉટ રદ્દ કરવાનો નિર્ણય પરત ખેંચી લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરની સૂચનાથી તાત્કાલિક અસરે સાંતલપુરના તમામ ગામોમાં બ્લેકઆઉટ લાગુ કરી દેવામાં આવ્યું છે.