કચ્છના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાતે પહોંચ્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કચ્છના ખાવડા ખાતે આકાર પામી રહેલા વિશ્વના સૌથી મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાત લઈ કામગીરી નિહાળી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 04 Oct 2026 08:55 PM (IST)Updated: Sun, 04 Oct 2026 08:55 PM (IST)
gujarat-governor-visits-worlds-largest-khavda-re-park

Khavda Renewable Energy Park: ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજરોજ કચ્છના ખાવડા પાસે આકાર પામી રહેલા વિશ્વના સૌથી મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ગ્રીન ઊર્જા જ આવનારા સમયનું ભવિષ્ય હોવા પર ભાર મૂકીને પવન ઊર્જા અને સોલાર ઊર્જા ક્ષેત્રે ખાવડા પ્લાન્ટમાં યુદ્ધના ધોરણે ચાલી રહેલી કામગીરીને બારીકાઈથી નિહાળી હતી.

અદાણી કંટ્રોલ રૂમ ખાતેથી મેળવી ઊર્જા ઉત્પાદનની માહિતી

રાજ્યપાલશ્રીએ ખાવડા આર.ઈ. પાર્કના અદાણી સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ખાતેથી ઊર્જા ઉત્પાદન, મોનિટરિંગ અને સપ્લાય સહિતની બાબતોની વિગતવાર જાણકારી મેળવી હતી. આ અવસરે તેમણે સ્વદેશી ટેક્નોલોજીના માધ્યમથી ગ્રીન ઊર્જાના લક્ષ્યાંકો હાંસલ કરી દેશને આત્મનિર્ભર બનવા માટે પ્રેરક આહ્વાન કર્યું હતું.

પ્રધાનમંત્રીના વિઝનથી બદલાયું કચ્છની ધરતીનું ભાવિ

કચ્છ આગામી દિવસોમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે દેશ અને દુનિયામાં અગ્રેસર બનશે એ જાણીને રાજ્યપાલશ્રીએ વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ વિઝનને કારણે કચ્છની ધરતીનું ભાવિ સકારાત્મક રીતે પરિવર્તિત થયું છે. રાજ્યપાલશ્રીએ નેશનલ પાવર ગ્રીડ, ઊર્જા સંગ્રહ માટે બેટરી સ્ટોરેજ ફેસિલિટી તેમજ સ્થાનિક કક્ષાએ વિન્ડ અને સોલાર એનર્જી માટે જરૂરી મશીનરી અને મટીરિયલ્સના ઉત્પાદન અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. ભવિષ્યની વીજ માંગને પહોંચી વળવા અને પર્યાવરણ અનુકૂળ વીજ ઉત્પાદન માટે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા આગોતરા આયોજનની તેમણે ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી.

બિનઉપજાઉ રણની જમીનમાં સોલાર પ્લેટ્સ જોઈ પ્રભાવિત થયા રાજ્યપાલ

આ મુલાકાત દરમિયાન અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ખાવડા સ્થિત પ્રોજેક્ટ હેડ શકીલ ચૌહાણે વિન્ડ અને સોલાર એનર્જીના માધ્યમથી ભારતની ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવામાં કચ્છ કેવી રીતે સીમાચિહ્નરૂપ ભૂમિકા ભજવી રહ્યું છે તેની વિગતવાર રજૂઆત કરી હતી. ખેતી માટે બિનઉપજાઉ ગણાતી રણની ખારાશવાળી જમીન પર પથરાયેલી લાખો સોલાર પ્લેટ્સના આ વિશાળ પ્રોજેક્ટને નિહાળીને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી ખૂબ પ્રભાવિત થયા હતા.

વૈશ્વિક સ્તરે હરિત ઊર્જાનું કેન્દ્ર બની રહ્યું છે ખાવડા પાર્ક

ઉલ્લેખનીય છે કે, ભારત સમગ્ર વિશ્વમાં ગ્રીન અને ક્લીન ઊર્જાના ક્ષેત્રે અગ્રેસર બને તેવા મહત્ત્વપૂર્ણ હેતુથી પ્રધાનમંત્રી મોદીએ ડિસેમ્બર 2020માં ખાવડા ખાતે આ આર.ઈ. પાર્કનું ભૂમિપૂજન કર્યું હતું. અંદાજે 800 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં નિર્માણાધીન આ પાર્કમાં વર્ષ 2028 સુધીમાં 37 ગીગાવોટ 100% પર્યાવરણ અનુકૂળ વીજળી ઉત્પાદન કરવાનો ભવ્ય લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ આર.ઈ. પાર્કમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC), ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ, ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને સર્જન રિયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડ સહિતની નામાંકિત સરકારી તથા ખાનગી કંપનીઓના પ્રોજેક્ટ્સ દ્વારા વીજ ઉત્પાદનનું કાર્ય ધમધમી રહ્યું છે.

ઉપસ્થિત મહાનુભાવો

આ ઉચ્ચસ્તરીય મુલાકાત દરમિયાન નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ, તાલીમી સનદી અધિકારી માર્ગી શાહ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક મનિષા દેસાઈ તેમજ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ઉચ્ચ અધિકારીઓ અને વહીવટીતંત્રના જવાબદાર અધિકારીઓ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.