Gandhidham: પાણીની એક્સપ્રેસ લાઇન પરના 70 દબાણકારોને મનપાની નોટિસ, લીકેજ રિપેરિંગમાં અવરોધ બનતા તંત્રની લાલ આંખ

રાજવી ફાટકથી ભવાનીનગર તરફ જતી પીવાના પાણીની મુખ્ય એક્સપ્રેસ લાઇનમાં છેલ્લા ઘણા દિવસોથી મોટું લીકેજ સર્જાયું હતું.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 17 Dec 2025 03:44 PM (IST)Updated: Wed, 17 Dec 2025 03:44 PM (IST)
gandhidham-news-municipal-corporation-issues-notice-to-70-pressurers-on-water-express-line

Gandhidham News: ગાંધીધામ શહેરના રાજવી ફાટકથી ભવાનીનગર સુધીના માર્ગ પર સર્જાયેલી પાણીની સમસ્યાના ઉકેલ માટે આખરે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. એક્સપ્રેસ લાઇન પર થયેલા ગેરકાયદેસર દબાણોને કારણે પાઈપલાઈનનું સમારકામ અટવાયું હોવાથી, મહાનગરપાલિકા દ્વારા 70 જેટલા દબાણકારોને નોટિસ ફટકારી દબાણ દૂર કરવા કડક સૂચના આપવામાં આવી છે.

લાખો લીટર પાણીનો વેડફાટ અને લોકોની હાલાકી

રાજવી ફાટકથી ભવાનીનગર તરફ જતી પીવાના પાણીની મુખ્ય એક્સપ્રેસ લાઇનમાં છેલ્લા ઘણા દિવસોથી મોટું લીકેજ સર્જાયું હતું. આ લીકેજને કારણે દરરોજ લાખો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો. એટલું જ નહીં, રસ્તા પર પાણી ભરાઈ રહેવાને કારણે માર્ગ ખખડધજ બની ગયો હતો, જેનાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

દબાણોને કારણે સમારકામમાં પડતી મુશ્કેલી

પાણી પુરવઠા વિભાગ દ્વારા જ્યારે આ લીકેજ રિપેર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે એક્સપ્રેસ લાઇન પર મોટી સંખ્યામાં કાચા-પાકા દબાણો ઊભા કરી દેવામાં આવ્યા છે. લાઇન જમીનમાં દબાયેલી હોવાથી અને તેની ઉપર દબાણો હોવાથી મશીનરી કે શ્રમિકો દ્વારા સમારકામ કરવું અશક્ય બન્યું હતું.

મનપાની સંયુક્ત કાર્યવાહી

સમસ્યા વકરતા અંતે મનપાના પાણી પુરવઠા વિભાગ અને દબાણ શાખાએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. તંત્રએ લાઇન પર અતિક્રમણ કરનારા તમામ 70 આસામીઓની ઓળખ કરી તેમને તાત્કાલિક અસરથી નોટિસ આપી છે. આ નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે દબાણકારોએ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરી લેવું, અન્યથા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

દબાણો દૂર થયા બાદ તરત જ એક્સપ્રેસ લાઇનનું સમારકામ શરૂ કરવામાં આવશે, જેથી શહેરમાં પાણીનો પુરવઠો સુવ્યવસ્થિત કરી શકાય અને રસ્તા પર ભરાતા પાણીની સમસ્યાનો અંત આવે.