Wildlife Trafficking Racket: વન્યજીવોના ગેરકાયદેસર વેપાર અને તસ્કરરી સામે ગુજરાતના ગાંધીધામ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અને બિહાર પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને મહત્વની સફળતા હાંસિલ કરી છે. બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં ભારત-નેપાળ સરહદ નજીક હાથ ધરાયેલા આ ઓપરેશનમાં 19.39 કિગ્રા હાથીદાંતનો જથ્થો જપ્ત કરીને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ચોક્કસ બાતમીને આધારે કાર્યવાહી
ગાંધીધામ ડીઆરઆઈને મળેલી સચોટ બાતમીને આધારે અધિકારીઓએ બિહાર સ્ટેટ પોલીસના સંકલનમાં રહીને પશ્ચિમ ચંપારણ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ કાર્યવાહી દરમિયાન બે ટુ-વ્હીલર પર શંકાસ્પદ હિલચાલ કરતા ચાર શખ્સોને અટકાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા રોકવામાં આવેલા શખ્સો પાસે રહેલી બેગની તલાશી લેતાં તેમાંથી 19.39 કિલો હાથીદાંત મળી આવ્યા હતા.
આંતરરાજ્ય સંકલનથી વન્યજીવ તસ્કરી પર ફટકો
ઓપરેશન દરમિયાન ચારેય આરોપીઓએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંયુક્ત ટીમે તેમને ઝડપી લીધા હતા. ભારત-નેપાળ સરહદ નજીકના સંવેદનશીલ વિસ્તારમાં થયેલી આ કાર્યવાહી વન્યજીવ તસ્કરીના નેટવર્ક સામે મોટા પગલાં તરીકે જોવામાં આવી રહી છે. ગાંધીધામ DRI અને બિહાર પોલીસના સંકલનથી પાર પડેલા આ ઓપરેશન બાદ ઝડપાયેલા ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
