Gandhidham Demolition: ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરના આદિપુર વિસ્તારમાં દબાણ હટાવવાની વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પાલિકાની માલિકીના પ્લોટ પર વર્ષોથી જમાવાયેલા મસ્જિદ, 20 જેટલી દુકાનો અને રહેણાંક બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ ઓપરેશન દ્વારા અંદાજે ₹4.5 થી 5 કરોડની બજાર કિંમત ધરાવતી 2000 ચોરસ મીટર જમીન અતિક્રમણ મુક્ત કરવામાં આવી છે.
વહેલી સવારથી તંત્રનો કાફલો ત્રાટક્યો
મહાનગરપાલિકા દ્વારા અગાઉ નોટિસ અને સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. દબાણ હટાવવાની અંતિમ મુદત 12 તારીખે પૂર્ણ થતા, કમિશનર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ આજે વહેલી સવારે મોટા કાફલા સાથે ઓપરેશન શરૂ કરાયું હતું. આ કામગીરીમાં 3 હિટાચી, 4 JCB, 2 બ્રેકર અને ડમ્પર-ટ્રેક્ટર સહિતના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને જનસહકાર
કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે DYSP મુકેશ ચૌધરી અને PI મહેશ વાળાના નેતૃત્વમાં ચુસ્ત પોલીસ કાફલો તૈનાત રહ્યો હતો. તંત્રની કડકાઈ જોતા કેટલાક લોકોએ સ્વેચ્છાએ પણ પોતાના બાંધકામો તોડવાનું શરૂ કર્યું હતું. કમિશનર ગુરવાનીએ જણાવ્યું હતું કે, શહેરના વિકાસ માટે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
આઇકોનિક રોડ માટે મંદિરો પણ દૂર કરાયા હતા
આદિપુર ઘોડા ચોકીથી ઓમ મંદિર સુધી 'આઇકોનિક રોડ' બનાવવાનું આયોજન હોવાથી રસ્તામાં નડતરરૂપ તમામ બાંધકામો દૂર કરાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ જ રસ્તા પર આવેલા ત્રણ મંદિરો પણ ટ્રસ્ટીઓ દ્વારા સૂચના મળતા જ સ્વેચ્છાએ દૂર કરી અન્ય સ્થળે સ્થાપિત કરવામાં આવ્યા હતા, જે કોમી એકતા અને વિકાસ માટેના સહકારનું ઉદાહરણ પૂરું પાડે છે.
વિકાસકામોની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ
એક તરફ દબાણ હટાવવાની કામગીરીની પ્રશંસા થઈ રહી છે, તો બીજી તરફ રસ્તા અને ડ્રેનેજ લાઇનના કામમાં નબળી ગુણવત્તાની બૂમો ઉઠી રહી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા તંત્રની ગેરહાજરીમાં આડેધડ કામ કરવામાં આવે છે. કરોડોના ખર્ચે થતા વિકાસકામોમાં યોગ્ય દેખરેખ અને ગુણવત્તા જળવાય તેવી માંગ ઉગ્ર બની છે.
