Gandhidham Cyber Crime: કચ્છ જિલ્લામાં આવેલ ગાંધીધામમાં સાયબર ક્રાઈમ પોલીસે એક મોટા સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સાયબર ઠગોની એક ટોળકીએ એક જ કંપનીના બેન્ક ખાતામાંથી છેતરપિંડી આચરીને રુ. 8.46 કરોડની માતબર રકમ ખંખેરી લીધી હતી. આ હાઈ પ્રોફાઈલ સાયબર ફ્રોડ પેસમાં પૂર્વ કચ્છ પોલીસે દેશભરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને 13 આરોપીઓની ધરપકડ કરી છે.
8.46 કરોડની કરાઈ છેતરપિંડી
ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં 5 નવેમ્બરના રોજ આ સાયબર છેતરપિંડીનો સત્તાવાર ગુનો નોંધવામાં આવ્યો હતો. સાયબર ક્રાઈમની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, સાયબર ગુનેગારોએ હાઈટેક ડિજિટલ ટેક્નિકોનો ઉપયોગ કરીને કંપનીના બેન્ક એકાઉન્ટ્સમાંથી કુલ 221 જેટલા અલગ અલગ શંકાસ્પદ ટ્રાન્જેક્શન કરીને મોટી રક્મ અન્ય બોગસ પ્રાથમિક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દિધી હતી.
દેશના 8 રાજ્યોમાં દરોડા
ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને પૂર્વ કચ્છ પોલીસે દેશના વિવિધ રાજ્યોમાં તપાસ માટે ખાસ 10 પોલીસ ટીમોની રચના કરી હતી. આ ટીમોએ આસામ, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, દિલ્હી અને હરિયાણામાં દરોડા પાડીને કુલ 13 કુખ્યાત આરોપીઓને ઝડપી લીધા હતા. આ આરોપીઓ બોગસ શેલ કંપનીઓ અને ભાડા પર લીધેલા મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને કૌભાંડ આચરતા હચા
રૂ. 3.82 કરોડ ફ્રીઝ કરવામાં આવી
સાયબર ક્રાઈમ પોલીસની સમયસૂચકતા અને ઝડપી કામગીરીને કારણે છેતરપિંડીની કુલ રકમમાંથી રૂપિયા 3.82 કરોડથી વધુની રકમ સમયસર ફ્રીઝ કરવામાં સફળતા મળી છે. કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી 2 લેપટોપ, 14 મોબાઇલ ફોન, 1 સીપીયુ હાર્ડડિસ્ક જપ્ત કરી છે. અને તેમાંથી વધુ ડિજિટલ ડેટા મેળવાઈ રહ્યો છએે. આ ઉપરાંત 4 આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ પણ જાણવા મળ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસે સઘન તપાસ શરુ કરી છે.
