કચ્છના કાળો ડુંગર પરથી મળી આવ્યા બે અતિ દુર્લભ સાપ: રજવાડી અને રેતિયો સાપ એકસાથે દેખાતાં નોંધાયો રેકોર્ડ

કચ્છના 462 મીટર ઊંચા કાળો ડુંગર નજીક ભુજ ઉત્તર રેન્જમાંથી રજવાડી અને રેતિયો સાપ એકસાથે મળી આવ્યા છે. ગુજરાતમાં આ દુર્લભ પ્રજાતિઓ દેખાતાં વન વિભાગે હરખ વ્યક્ત કર્યો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 12 Oct 2026 11:37 AM (IST)Updated: Mon, 12 Oct 2026 11:37 AM (IST)
kutch-kalo-dungar-rare-sand-snake-found-in-gujarat-record

Rare Snake Species Found In Kutch: સમગ્ર દેશમાં એકમાત્ર કચ્છ એવો પ્રદેશ છે, જે રણ, સમુદ્ર અને પર્વતનો સમૃદ્ધ વારસો ધરાવે છે. એટલા માટે જ વિશ્વભરના પ્રવાસીઓ માટે 'કચ્છડો બારેમાસ' એવું કહેવાય છે. તાજેતરમાં હવે તેમાં વધુ એક વિશેષતા ઉમેરાઈ છે. કચ્છ જિલ્લાના 462 મીટરના સૌથી ઊંચા શિખર એવા કાળો ડુંગર વન્ય જીવ અને જૈવ વિવિધતા માટે ઉત્તમ આશ્રય સ્થાન પૂરું પાડે છે.

કચ્છમાં દેખાયો અતિ દુર્લભ સાપ

વિશેષરૂપે, આ ‘રેતીયો સાપ’ ગુજરાતમાં જોવા મળવો એ ખૂબ જ દુર્લભ રેકોર્ડ માનવામાં આવે છે. કચ્છ જિલ્લાનું અનોખું નિવસનતંત્ર -ecosystem અને શુષ્ક વાતાવરણ આવા દુર્લભ જીવો માટે સાનુકૂળ અને ઉત્તમ આશ્રય સ્થાન પૂરું પાડે છે. આ બંને પ્રજાતિઓની એક જ સમયે અને એક જ સ્થળે હાજરી એ બાબતની પ્રતીતિ કરાવે છે કે, આ વિસ્તારની જૈવ વિવિધતા હજુ પણ સમૃદ્ધ અને સુરક્ષિત છે.

બે દુર્લભ પ્રજાતિના સાપ જોવા મળ્યા

ગુજરાત વન વિભાગ મંત્રી અર્જુન મોઢવાડીયાના નેતૃત્વમાં રાજ્યની વન અને વન્ય જીવ સંપદાનું સતત સંવર્ધન અને સંરક્ષણ કરી રહ્યું છે. આમ,વન્યજીવોના સંરક્ષણ-સંવર્ધન કરવાની ફરજના ભાગરૂપે ગત સપ્ટેમ્બર 2026માં કચ્છ પૂર્વ વન વિભાગની ભુજ ઉત્તર રેન્જના ખાવડા રાઉન્ડની જુણા બીટમાં પરિક્ષેત્ર વન અધિકારી તેમજ સ્થાનિક સ્ટાફના પેટ્રોલીંગ દરમિયાન સાંજના અંદાજે 7.30 કલાકે એક અનોખી ઘટના જોવા મળી છે. જેમાં પેટ્રોલિંગ દરમિયાન કચ્છમાં ભાગ્યેજ જોવા મળતી બે દુર્લભ સર્પ પ્રજાતિઓ વર્ષો બાદ એક જ સ્થળેથી એકસાથે મળી આવી હતી.

જેમાં રજવાડી સાપ (Black-headed Royal Snake ) જે સંપૂર્ણપણે બિનઝેરી છે. જ્યારે બીજો રેતીયો સાપ (Afro-Asian Sand Snake) જે આંશિક ઝેરી છે એટલે કે જેનું ઝેર માનવ માટે જીવલેણ નથી હોતું. જેની લંબાઈ આશરે 70 સે.મી. હતી

19 સપ્ટેમ્બરે કયા દિવસની ઉજવણી?

આ રેતિયો સાપ જે અતિ દુર્લભની શ્રેણીમાં આવે છે. આ સાપનો ગુજરાતમાં સંભવત: બીજો કે ત્રીજો રેકોર્ડ છે. તજજ્ઞ અજય દેસાઈ લિખિત બુક 'સર્પ સંદર્ભ' મુજબ પ્રથમ વખત ફોટોગ્રાફિક રેકોર્ડ લોડાઇ ખાતે નોંધાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ પૂર્વ વન વિભાગ દ્વારા દર વર્ષે 19 સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ સર્પદંશ જાગૃતિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

વન વિભાગે કરી ખાસ અપીલ

આ નિમિત્તે સ્થાનિકોને જાગૃત કરવા માટે સાઇનબૉર્ડ, વન્યજીવ જાગૃતિ કાર્યક્રમ, પ્રકૃતિ શિક્ષણ શિબિર અને અન્ય વિવિધ વિષયાનુરૂપ કાર્યક્રમો દ્વારા મહત્તમ પ્રયાસો કરવામાં આવે છે.વન વિભાગ દ્વારા સ્થાનિક નાગરિકો તથા આવતા પ્રવાસીઓને અપીલ કરવામાં આવે છે કે પ્રકૃતિ તથા પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર આવા દુર્લભ વન્યજીવોના સંરક્ષણ અને જતન અભિયાનમાં પોતાનો પૂર્ણ સહયોગ મળવાથી આપણે સાથે મળીને વન્ય જીવોનું જતન કરી શકીએ.