Bhuj News: કચ્છ જિલ્લાના અંજારમાં આજે સવારે બનેલી હૃદયદ્રાવક ઘટનામાં શ્રમિક પરિવારના 6 અને 7 વર્ષના બે માસૂમ બાળકોના ખુલ્લા પાણીના ટાંકામાં ડૂબી જતા મોત નીપજ્યું છે. બન્ને ભાઈ બહાર રમતા હતા જે દરમિયાન રમતા-રમતા પાણીના ટાંકામાં પડી ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બન્ને બાળકોના મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, બીટ્ટુ તિવારી નામના શ્રમિકના પુત્રો અંકુશ તિવારી (ઉંમર 6 વર્ષ) અને અભિનંદન તિવારી (ઉંમર 7 વર્ષ) સવારે લગભગ 9:30 વાગ્યાની આસપાસ ઘર નજીક રમી રહ્યા હતા. રમતા રમતા તેઓ નજીકના એક બાંધકામ સ્થળ પર પહોંચી ગયા હતા, જ્યાં વરસાદી અને જૂનું પાણી ભરેલો એક ખુલ્લો ટાંકો હતો. અજાણતાં જ બંને બાળકો આ ટાંકામાં પડી ગયા અને પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
બાળકો ગુમ થયાની જાણ થતાં જ પરિવારે અને આસપાસના લોકોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. થોડા સમય બાદ, આ ખુલ્લા પાણીના ટાંકામાંથી બંને બાળકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક અંજારની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
અંજાર પોલીસના પીઆઇ અજયસિંહ ગોહિલે આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે આ મામલે અપમૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એક સાથે બે માસૂમ સંતાનો ગુમાવનારા શ્રમજીવી માતા-પિતા પર આભ તૂટી પડ્યું છે. પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને વિસ્તારના લોકો પણ આ કરૂણ દુર્ઘટનાથી સ્તબ્ધ છે.