Bhuj News: મૂળ ભચાઉ તાલુકાના વાંઢિયા ગામના અને છેલ્લા કેટલાક વર્ષોથી સામખિયાળી ગામે રેડીમેડ કપડાની દુકાન ધરાવતા બે સગા ભાઈઓના મોતના સમાચારે વાગડના જૈન સમાજમાં અરેરાટી પ્રસરાવી છે. નાનાભાઈની અંતિમ યાત્રા નીકળી એ જ સમયે મોટાભાઇનું હૃદય બેસી ગયું હતું. સારવાર મળે એ પહેલા જ તેમનું મોત નીપજતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.
49 વર્ષિય પ્રકાશ નાનાલાલ શેઠની રવિવારની રાત્રે તબિયત બગડતા સ્થાનિકે સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભચાઉની વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જયાં સારવાર દરમિયાન 12.30 વાગ્યાના અરસામાં આંખો મીચી લીધી હતી. ગઈકાલે સવારે તેઓના મૃતદેહને નિવાસસ્થાને લવાયા બાદ બપોરે અંતિમ યાત્રા નીકળી હતી.
આ પણ વાંચો
પ્રકાશભાઈની અંતિમ યાત્રા હજુ ઘરના ગેટ પાસે પહોંચી હતી,બરાબર તે જ સમયે તેમના 60 વર્ષિય મોટાભાઈ વસંત નાનાલાલ શેઠને હૃદયરોગનો હુમલો આવ્યો અને સારવાર મળે તે પૂર્વે જ દેહ છોડી દીધો હતો.માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં જ બે સગા ભાઈઓના મોતના બનાવે પરિવારજનો પર જાણે આભ ફાટ્યું હતું.
આ કરૂણ ઘટનાની જાણ થતાં જ જૈન સમાજના આગેવાનો તેમના નિવાસસ્થાને પહોંચી ગયા હતા અને ઉંડા શોકની લાગણી વ્યકત કરી હતી.હતભાગી પ્રકાશભાઈને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે જયારે મોટા ભાઈ વસંતભાઈને દિકરી છે.બંને ભાઈઓના બહેને દિક્ષા લીધેલી છે.આ બનાવ અંગે સમાજના આગેવાન જયસુખભાઈ કુબડિયા,વા.સા.ચો.જૈન સમાજના પ્રમુખ ધીરજલાલ સંઘવી સહિત આગેવાનોએ દુઃખ વ્યકત કર્યું હતું.
