Wild life Conservation: ભાવનગર રેલવે ડિવિઝનની સતર્કતા, લોકો પાયલટની સમયસૂચકતાએ છ સિંહોના જીવ બચાવ્યા

ટ્રેન જ્યારે જૂનાગઢ-વિસાવદર સેક્શન વચ્ચે કિલોમીટર નંબર 05/02 પાસે પહોંચી, ત્યારે ટ્રેક પર અચાનક છ સિંહોનું ટોળું આવી ચડ્યું હતું.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 13 May 2026 10:19 PM (IST)Updated: Wed, 13 May 2026 10:19 PM (IST)
wild-life-conservation-bhavnagar-railway-divisions-vigilance-loco-pilots-punctuality-saved-the-lives-of-six-lions

Green Railways: પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન હેઠળ આવતા ગીર વિસ્તારના રેલવે ટ્રેક પર ફરી એકવાર વન્યજીવ પ્રેમીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ-વિસાવદર સેક્શન પર લોકો પાયલટ્સની જાગૃતિ અને ત્વરિત નિર્ણયશક્તિને કારણે છ એશિયાટિક સિંહોનો જીવ બચ્યા છે.

શું હતી સમગ્ર ઘટના?

12 મે 2026 (મંગળવાર)ના રોજ ટ્રેન નંબર 52946 જૂનાગઢ-વેરાવળ પેસેન્જર ટ્રેન તેના નિર્ધારિત રૂટ પર જઈ રહી હતી. ટ્રેન જ્યારે જૂનાગઢ-વિસાવદર સેક્શન વચ્ચે કિલોમીટર નંબર 05/02 પાસે પહોંચી, ત્યારે ટ્રેક પર અચાનક છ સિંહોનું ટોળું આવી ચડ્યું હતું.

ટ્રેન ચલાવી રહેલા લોકો પાયલટ રમેશ પી. અને આસિસ્ટન્ટ લોકો પાયલટ ચિંતન કુમારે સમય વેડફ્યા વિના તાત્કાલિક જોખમ પારખી લીધું હતું. સિંહો ટ્રેક ઓળંગી રહ્યા હોવાનું જોઈ તેમણે ત્વરિત ઈમરજન્સી બ્રેક લગાવી હતી અને ટ્રેનને સિંહોની બિલકુલ નજીક ઉભી રાખી દીધી હતી. લોકો પાયલટની આ સતર્કતાને કારણે ટ્રેન અને વનરાજ વચ્ચે સર્જાનારો સંભવિત અકસ્માત ટળ્યો હતો.

વન વિભાગ સાથે સંકલન

ટ્રેન ઉભી રાખ્યા બાદ લોકો પાયલટે તુરંત ટ્રેન મેનેજર લલન કુમારને જાણ કરી હતી. ઘટનાસ્થળે તૈનાત વન વિભાગના ટ્રેકર પણ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને તમામ છ સિંહોને ટ્રેક પરથી સુરક્ષિત રીતે જંગલ તરફ રવાના કર્યા હતા. સિંહો ટ્રેકથી દૂર ગયા બાદ જ ટ્રેનને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી હતી.

સતત ચાલી રહ્યું છે સંરક્ષણ અભિયાન

સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ભાવનગર ડિવિઝન વન્યજીવોના રક્ષણ માટે કટિબદ્ધ છે. રેલવે પ્રશાસનની સૂચના મુજબ, આ સંવેદનશીલ વિસ્તારોમાં ટ્રેનો નિર્ધારિત ગતિ મર્યાદામાં જ ચલાવવામાં આવે છે.

રેલવેના આંકડા મુજબ:

વર્ષ 2024-25: 159 સિંહોને બચાવવામાં આવ્યા.

વર્ષ 2025-26: 129 સિંહોને સુરક્ષિત રસ્તો અપાયો.

ચાલુ વર્ષ 2026-27 (એપ્રિલથી અત્યાર સુધી): 11 સિંહોના જીવ બચાવાયા છે.

ઉચ્ચ અધિકારીઓ દ્વારા સન્માન

આ પ્રશંસનીય કામગીરી બદલ ડિવિઝનલ રેલવે મેનેજર દિનેશ વર્મા અને એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર રિત્વિક શર્મા સહિતના ઉચ્ચ અધિકારીઓએ લોકો પાયલટ્સની કામગીરીને બિરદાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે વન વિભાગ અને રેલવે વચ્ચેનું આ મજબૂત સંકલન જ સિંહોના સંરક્ષણમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે.