Bhavnagar: લઠ્ઠાકાંડ બાદ હવે વધુ નકલી 'રોયલ સ્ટેગ' બનાવતી ફેક્ટરી ઝડપાઈ, રેલવે કર્મચારી સહિત 3 ઝડપાયા

ભાવનગરના હાદાનગર વિસ્તારમાં રેલવે કોલોનીના સરકારી ક્વાર્ટરમાં નકલી રોયલ સ્ટેગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ. બોરતળાવ પોલીસ અને LCBના દરોડામાં રેલવે કર્મચારી સહિત 3 આરોપી ઝડપાયા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 13 Sep 2026 11:22 AM (IST)Updated: Sun, 13 Sep 2026 11:22 AM (IST)
bhavnagar-fake-royal-stag-liquor-factory-railway-colony-3-arrested

Bhavnagar News: ભાવનગરમાં નકલી દારુ પીવાથી 14 જેટલા લોકોના મોત થયા હોવાની શ્યાહી હજુ સુકાઈ પણ નથી, ત્યારે શહેરના હાદાનગર વિસ્તારામાં રેલ્વે કોલોનીના સરકારી ક્વાર્ટરમાંથી નકલી રોયલ સ્ટેગ બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે. આ અંગે બોરતળાવ પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. નકલી દારુ ફેક્ટરીના મામલે પોલીસે 3 આરોપીઓની અટકાયત કરીને વધુની કાર્યવાહી કરી છે.

રેલ્વે કોલોનીમાંથી નકલી દારુ ફેક્ટરી ઝડપાઈ

મળતી માહિતી મુજબ, પોલીસને બાતમી મળી હતી કે, હાદાનગર વિસ્તારમાં રેલ્વે કોલોનીના ક્વાર્ટરમાં એક નકલી રોયલ સ્ટેગ બનાવતી ફેક્ટરી ધમધમે છે. બાતમીના આધારે બોરતળાવ પોલીસ અને એલસીબીની ટીમે સંયુક્ત દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે રેલ્વે વિભાગમાં ફરજ બજાવતા અક્ષયરાજસિંહ ગોહિલ, વિજય ઉર્ફે મયંક મકવાણા અને એક અન્ય શખ્સ જીતેન્દ્ર ખાવડીયાને પકડી પાડ્યો હતો.

પોલીસે બોટલો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

પોલીસે ઘટના સ્થળ પરથી નકલી દારુ ભરેલી બોટલો, કેમિકલ અને સ્ટીકર્સ સહીતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે કડકાઇપૂર્વક પૂછપરછ કરતા સામે આવ્યું કે, આરોપીઓએ કેરબામાં રહેલું કેમિકલ ઢોળી દીધું હતું. તેમજ આરોપી અક્ષયરાજ અને વિજય મકવાણા ભાગીદારીમાં દારુની ફેક્ટરી ચલાવતા હતા. પોલીસે આ મામલે વધુ સઘન કાર્યવાહી હાથ ધરી છે.

3 આરોપીઓ સામે ગુનો નોંધાયો

બોરતળાવ પોલીસે ત્રણેય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આકરી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આરોપીઓ છેલ્લા કેટલા સમયથી દારુ બનાવે છે, કોને કોને દારુ વેચ્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નોંધનીય બાબત એ છે કે, ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 14 લોકોએ જીવ ગુમાવ્યો તેમ છતાં નકલી દારુ બનાવવાની ફેક્ટરીઓ ધમધમી રહી છે.