ભાવનગર: લઠ્ઠાકાંડમાં થયેલા મોત મામલે નવો વળાંક, હત્યાનો ગુનો નોંધાયો; મિત્રએ જ પીવડાવ્યો હતો સંતાડેલો ઝેરી દારૂ

ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં આરોપી મુકેશ પટેલ અને દારૂ આપનાર સંજય સામે ગુનો નોંધાયો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 12 Sep 2026 04:19 PM (IST)Updated: Sat, 12 Sep 2026 04:19 PM (IST)
bhavnagar-latthakand-accused-mukesh-gave-toxic-liquor-to-bhavesh-murder-fir-in-auto-driver-death-case
Bhavnagar Bhavesh Murder

Bhavnagar Crime News: ભાવનગરના ચકચારી લઠ્ઠાકાંડનો ઝેરી દારૂ પીવાના કારણે તાજેતરમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જોકે, આ મામલે મોત કરતા વધુ હત્યાનો હોવાનું સામે આવ્યું છે. ધંધાકીય અદાવતમાં મુકેશ પટેલ નામના રિક્ષા ચાલકે પોતાના જ મિત્ર ભાવેશ વિસાણીને ઝેરી દારૂ પીવડાવીને તેની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ધંધાની અદાવતમાં રચાયું હત્યાનું ગુનાહિત ષડયંત્ર

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, હુડકોના આણંદનગરમાં રહેતા 48 વર્ષીય મૃતક ભાવેશ ધીરુભાઈ વિસાણી અને તેમના મિત્ર મુકેશ હસમુખભાઈ પટેલ વચ્ચે ધંધા અંગે મનદુઃખ અને બોલાચાલી ચાલી રહી હતી. ભાવેશનો કાંટો કાઢી નાખવા અને ધંધામાં ફાયદો મેળવવા માટે આરોપી મુકેશે આ ગંભીર ષડયંત્ર રચ્યું હતું.

સંતાડી રાખેલી દારૂની બોટલ પીવા આપી દીધી

મુકેશે ગત 14 ઓગસ્ટે સંજય નામના શખ્સ પાસેથી રોયલ સ્ટેગની બોટલ ખરીદી હતી. લઠ્ઠાકાંડમાં 13 લોકોના મોત થતાં પોલીસે પૂછપરછ કરી ત્યારે મુકેશે દારૂ ઢોળી નાખ્યો હોવાનું પોલીસ સમક્ષ ખોટું બોલીને પોતાના ઘરે દાદરા નીચે બોટલ સંતાડી રાખી હતી. ત્યારબાદ 3 સપ્ટેમ્બરે મુકેશે આગ્રહ કરીને આ ઝેરી બોટલ ભાવેશને પીવા આપી દીધી હતી.

25 ઉલટી થઈ છતાં પોલીસને ન કહેવા દબાણ કર્યું

ઝેરી દારૂ પીધા બાદ 4 સપ્ટેમ્બરે ભાવેશ વિસાણીને અચાનક તાવ, ગભરામણ અને સતત ઉલટી થવા લાગી હતી. તબિયત લથડતાં ભાવેશે મુકેશને ફોન કર્યો હતો, પરંતુ મુકેશે તેને ડરાવી 'પોલીસને દારૂ પીધો હોવાનું ન કહેવા' સતત દબાણ કર્યું હતું. ભાવેશના ભાઈ દિલીપે રજૂ કરેલી પેનડ્રાઈવના સ્ક્રિપ્ટ પંચનામા અને કોલ રેકોર્ડિંગમાંથી મુકેશ દબાણ કરતો હોવાના પુરાવા મળી આવ્યા છે.

FSL રિપોર્ટમાં મિથાઈલ આલ્કોહોલ હોવાની પુષ્ટિ

ગંભીર હાલતમાં ભાવેશ વિસાણીને ભાવનગરની સર ટી. હોસ્પિટલના MICU-2 માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. FSL ગાંધીનગર ખાતે મોકલેલા બ્લડ સેમ્પલના રિપોર્ટમાં 0.0818% W/V મિથાઇલ આલ્કોહોલ હોવાનું સ્પષ્ટ થયું હતું. આ મામલે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં આરોપી મુકેશ પટેલ અને દારૂ પૂરો પાડનાર સંજય સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ગાંધીનગર દ્વારા આ લઠ્ઠાકાંડ કેસમાં મુખ્ય સૂત્રધાર, મટીરીયલ સપ્લાયર અને પોલીસ કર્મચારી સહિત 40 આરોપીની અગાઉ ધરપકડ કરી જેલહવાલે કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ, ભાવનગરના ચકચારી લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 14 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે.