ભાવનગર લઠ્ઠાકાંડ કેસ: મિથેનોલ કેમિકલ સપ્લાયના તાર દિલ્હી સુધી લંબાયા, દિલ્હીથી 3 આરોપીઓની ધરપકડ

ભાવનગર લઠ્ઠાકાંડની તપાસમાં મિથેનોલ સપ્લાયના તાર દિલ્હી સુધી પહોંચ્યા, જ્યાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કુલ 31 આરોપીઓ ઝડપાયા છે .

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 28 Aug 2026 03:59 PM (IST)Updated: Fri, 28 Aug 2026 03:59 PM (IST)
bhavnagar-hooch-tragedy-delhi-link-in-methanol-supply-chain-3-arrested

Bhavnagar hooch tragedy: ભાવનગર જિલ્લામાં આવેલા વરતેજમાં નકલી દારુ પીવાથી 13 લોકોના કરુણ મોત નિપજાવનારા ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડની તપાસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ઊંડી તપાસ બાદ આ ચર્ચાસ્પદ કેસના મૂળિયા હવે ગુજરાત અને મધ્યપ્રદેશથી આગળ વધીને દેશની રાજધાની દિલ્હી સુધી પહોંચ્યા છે . સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં સામે આવ્યું કે, ગેરકાયદેસર મિથેનોલનો જથ્થો દિલ્હીથી ગુજરાતમાં સપ્લાય કરવાનું સામે આવ્યું હતું.

ઝડપાયેલા આરોપીઓની કુલ સંખ્યા 31 પર પહોંચી

લઠ્ઠાકાંડ મામલે પોલીસે દિલ્હીના ત્રણ આરોપીઓ કેશવ જાટવ,પ્રમોદકુમાર બુડાકોટી અને રોહિત પ્રધાનની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓની ધરપકડ પછી હવે કેસમાં ઝડપાયેલા આરોપીઓની કુલ સંખ્યા 31 પર પહોંચી ગઈ છે .દિલ્હીથી ઝડપાયેલા આરોપીઓને ટ્રાન્સફર રિમાન્ડ મેળવી ભાવનગર લાવવાની કામગીરી પૂર્ણતાને આરે છે .

અસલી બ્રાન્ડેડ દારુના નામે નકલી દારુ

મળતી માહિતી મુજબ, ઝડપાયેલા 28માં આરોપી ઈશ્વરભા ગઢવી (મૂળ ભચાવ)ની પૂછપરછમાં ચોકાંવનારી વિગતો બહાર આવી હતી. જેમાં નકલી અને ઝેરી દારુના નામે રોયલ સ્ટેગ જેવી અસલી બ્રાન્ડ તરીકે દારુ વેચવા માટે તે સ્ટીકર અને પેકિંગના પૂંઠા પૂરા પાડતો હતો, તેની ધરપકડ બાદ પોલીસ દિલ્હીમાં બેઠેલા કેમિકલ સપ્લાયરો સુધી પહોંચી હતી.

સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં સામે આવ્યું કે, દિલ્હીથી ઝડપાયેલા કેશવ જાટવ,પ્રમોદકુમાર બુડાકોટી અને રોહિત પ્રધાન ગેરકાયદેસર મિથેનોલનો જથ્થો ગુજરાતમાં સપ્લાય કરતા હતા . હાલ મિથેનોલ સપ્લાયથી લઈને વરતેજમાં નકલી દારુ બનાવવાના પૂરા નેટવર્ક અંગેની કડીઓ મેળવીને 3 આરોપીઓની પૂછપરછ હથ ધરવામાં આવશે.

પોલીસ વિભાગમાં કડક કાર્યવાહી

ડીજીપીના આદેશથી SMCના ઉચ્ચ અધિકારીઓ છેલ્લા 1 સપ્તાહથી ભાવનગરમાં કેમ્પ કરીને તપાસ ચલાવી રહ્યા છે. SMC દ્વારા સ્થાનિક પોલીસ અધિકારીઓ જેવા કે, એસપી, એએસપી, પીઆઈ અને પીએસઆઈની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. અને ફરજમાં બેદરકારી બદલ 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે.

બોટાદમાં દેશી દારુ પીતા એક યુવકનું મોત

લઠ્ઠાકાંડની ચર્ચા વચ્ચે બોટાદ શહેરમાંથી પણ દારૂના દૂષણનો વધુ એક કિસ્સો સામેઆવ્યો છે. બોટાદના જયેશ માલજીભાઈ સોલંકી નામના યુવકનું દેશી દારૂ પીધા બાદ તબિયત લથડતાં સારવાર દરમિયાન ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં મોત નીપજ્યું છે.