ભાવનગર: પાલીતાણાના ફાસરા ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, મુખ્ય આરોપી ઝડપાયો; અન્ય ચાર શખ્સ ફરાર

ભાવનગર LCB ટીમ દ્વારા 40 વર્ષીય આરોપી અરવિંદ નરશીભાઈ ડાભીની ધરપકડ કરવામાં આવી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 19 Nov 2026 07:22 PM (IST)Updated: Thu, 19 Nov 2026 07:22 PM (IST)
palitana-fasra-illegal-country-liquor-brewery-bhavnagar-lcb-raid-one-accused-arrest

Bhavnagar Crime News: ભાવનગર જિલ્લામાં પાલીતાણા તાલુકાના ફાસરા ગામની સીમમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખેતીની આડમાં ગેરકાયદે રીતે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવવામાં આવતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી એક આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય ત્રણ ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

વાડીના શેઢે ચાલતી દારૂની ભઠ્ઠી પર કરી રેડ

ભાવનગર LCB ટીમનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે ફાસરા ગામનો અરવિંદ નરશીભાઈ ડાભી ગામની સીમમાં આવેલી ગોવિંદ જીવાભાઈની વાડીના શેઢે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવે છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો.

મુખ્ય આરોપી ઝડપાયો, અન્ય ચાર લોકો ફરાર

પોલીસ રેડ દરમિયાન દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપાઈ હતી. આ સાથે 40 વર્ષીય આરોપી અરવિંદ નરશીભાઈ ડાભીની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલ ફાસરા ગામના જ મયુર મોહનભાઈ વાળા, જોધા હિરાભાઈ મકવાણા અને ધીરૂ શામજીભાઈ ગોહિલ ફરાર થઈ ગયા હતા. પોલીસે તેમને ઝડપી લેવા માટે તપાસ અને શોધખોળ હાથ ધરી છે.

1,700 લીટર આથા સહિતનો મુદ્દામાલ જપ્ત

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો આથો, દારૂ અને અન્ય સામગ્રી સહિત કુલ ₹71,580નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં 1,700 લીટર આથો, 5 લિટર દેશી દારૂ,  અખાદ્ય કાળા અને રસીવાળા ગોળના 11 ડબ્બા, 15 બોક્સમાં 1,050 ખાલી પ્લાસ્ટિક બોટલ અને ઢાંકણાં, 3 બોક્સમાં ખજૂરના 60 પેકેટ, યીસ્ટના 8 પેકેટ અને 3 ખાલી ગેસના બાટલા અને 2 ગેસના ચૂલાનો સમાવેશ થાય છે.

આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની કાર્યવાહી

આ મામલે પોલીસે મુખ્ય આરોપી અરવિંદ નરશીભાઈ ડાભી સહિત ચારેય આરોપીઓ વિરુદ્ધ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે. પોલીસ ટીમ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાકીના 3 ફરાર આરોપીને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.