ભાવનગર: પાલીતાણામાં ભીષણ જૂથ અથડામણ, જાહેર રોડ વચ્ચે થયો પથ્થરમારો; 22 લોકો સામે ગુનો દાખલ

સોલંકી અને નાવડીયા પરિવાર વચ્ચે કોઈ બાબતે અથડામણ થઈ હતી. આશરે 22 લોકો જાહેરમાં પથ્થરમારો કરી રહ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 11 Nov 2026 07:04 PM (IST)Updated: Wed, 11 Nov 2026 07:04 PM (IST)
palitana-bhilavas-garajiya-road-group-clash-stone-pelting-22-booked-bhavnagar

Bhavnagar Crime News: પાલીતાણા શહેરના ભીલવાસ ગરાજીયા રોડ પર જૂની અદાવત કે અન્ય કોઈ કારણોસર બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ દરમિયાન ભીષણ પથ્થરમારો પણ સર્જાયો હતો. આ મામલે પાલીતાણા ટાઉન પોલીસમાં જાહેરમાં ગેરકાયદે મંડળી રચી પથ્થરમારો કરવા બદલ મહિલાઓ સહિત 22 શખ્સો સામે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર, ગત 10 નવેમ્બર 2026 ના રોજ પાલીતાણા ટાઉન પોલીસ મથકના કોન્સ્ટેબલ મનસુખભાઈ ગભાભાઈ પરમાર 112 જનરક્ષક વાનના ઈન્ચાર્જ તરીકે ફરજ પર હતા. આ દરમિયાન સાંજે આશરે 6:05 વાગ્યે ભીલવાસ ગરાજીયા રોડ પર બે પક્ષો વચ્ચે છૂટા પથ્થરમારાની જાણ થતાં પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

પોલીસે સ્થળ પર પહોંચીને જોયું તો સોલંકી અને નાવડીયા પરિવારના સભ્યો સહિત બંને જૂથના 22 લોકો જાહેરમાં સામસામે પથ્થરમારો કરી રહ્યા હતા, જેનાથી સ્થાનિક લોકો અને રાહદારીઓની જિંદગી જોખમમાં મુકાઈ હતી. 112 જનરક્ષક વાનની ટીમે ત્વરિત ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક વધુ પોલીસ કાફલો બોલાવીને પથ્થરમારો કરતા ટોળાને વિખેરી પરિસ્થિતિ થાળે પાડી કાબૂ મેળવ્યો હતો.

આ મામલે ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ મનસુખભાઈની ફરિયાદના આધારે પાલીતાણા ટાઉન પોલીસે જાહેરમાં ગેરકાયદે મંડળી રચી પથ્થરમારો કરવા બદલ સોલંકી અને નાવડીયા પરિવારના મહિલાઓ સહિત કુલ 22 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પાલીતાણા ટાઉન પોલીસે તમામ 22 આરોપીઓ સામે BNS કલમ 125, 189(2), 189(4), 190, 194(2) અને 54 હેઠળ કેસ દાખલ કરી કાયદેસરની આગળની તપાસ તેજ કરી છે.

આરોપીઓમાં ગૌતમ અશોકભાઈ સોલંકી, આકાશ ભરતભાઈ સોલંકી, ઓનીતપ્રવિણભાઈ સોલંકી, અરવિંદ પરસોતમભાઈ સોલંકી, પ્રવિણ પરસોતમભાઈ સોલંકી, અરુણ સોલંકી, નરેન્દ્ર સોલંકી, અલ્પેશ સોલંકી, આશાબેન સોલંકી, રંજનીબેન સોલંકી, પવુબેન સોલંકી તેમજ નરેશ વસંતભાઈ નાવડીયા, વિજય નાવડીયા, બિપિન નાવડીયા, કરણ નાવડીયા, સજુ નાવડીયા, મયુર નાવડીયા, આદિત્ય નાવડીયા, સુમીત નાવડીયા, આકાશ નાવડીયા, રૂપાબેન નાવડીયા અને શિલાબેન નાવડીયાનો સમાવેશ થાય છે.