ભાવનગરના કરચલીયાપરામાં યુવકની હત્યા, આરોપીપિતા અને 2 સગીર પુત્રો સામે ગુનો નોંધાયો

હુમલા દરમિયાન મૃતકના પિતા પણ વચ્ચે પડતાં આરોપીઓએ તેમને ઇજાગ્રસ્ત કર્યા અને નાસી છૂટ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 09 Nov 2026 05:33 PM (IST)Updated: Mon, 09 Nov 2026 05:33 PM (IST)
bhavnagar-karachaliyapara-youth-murder-fir-on-accused-father-and-2-sons

Bhavnagar Crime News: ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં દિવાળી પર્વની રાત્રીએ યુવકની હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. પોપટનગર નાળા પાસે રહેતા યુવક પર તેના જ ઘર પાછળ રહેતા આરોપી પિતા અને તેના 2 સગીર પુત્રોએ જુની અદાવતમાં હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારના પોપટનગર નાળા પાસે રહેતા જાગુબેન બુધાભાઈ બારૈયાએ તેમના ઘર પાછળ રહેતા શખ્સ અને તેના 2 સગીર પુત્ર સામે ગંગાજળીયા પોલીસ મથકમાં નોંધાવેલી સત્તાવાર ફરિયાદ અનુસાર, દિવાળીની રાત્રે આશરે 10:00 વાગ્યે રોહિત બુધાભાઈ બારૈયા પોતાના ઘરેથી બાઈક લઈને જમવાનું લેવા માટે નીકળ્યો હતો.

આ દરમિયાન આશરે 1 વર્ષ પહેલા થયેલી બોલાચાલીનું મનદુખ રાખીને આરોપી પિતા અને તેના બે પુત્રોએ રોહિતને રસ્તામાં આંતરી લીધો હતો. ત્યારબાદ તેમની વચ્ચે બોલાચાલી થઈ અને આરોપીઓએ ઉશ્કેરાઈને છરીના આડેધડ ઘા ઝીકી હુમલો કર્યો હતો. આ દરમિયાન રોહિતના પિતા પણ વચ્ચે પડતાં આરોપીઓએતેમને ઇજાગ્રસ્ત કર્યા અને નાસી છૂટ્યા હતા.

આ હિંસક ઘટનાના કારણે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા રોહિતને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં જ ગંગાજળીયા પોલીસ મથકનો પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ગંગાજળિયા પોલીસે જાગુબેનની ફરિયાદના આધારે આરોપી પિતા અને તેના 2 સગીર પુત્ર સહિત 3 આરોપીઓ સામે BNS એક્ટ 103(1), 118(1), 352, 3(5) તેમજ GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે. વધુમાં, ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ વિભાગે ચક્રો ગતિમાન કર્યા છે.