Kajal Baraiya Murder Case: ભાવનગર શહેરના ચર્ચાસ્પદ કાજલ બારૈયા હત્યા કેસમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે મુખ્ય આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીને તે જીવે ત્યાં સુધી એટલે કે પોતાના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહે તેવી આકરી આજીવન કેદની સજા ફટકારી છે.
આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 4 સપ્ટેમ્બરના રોજ ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણી નામના શખ્સે કાજલ બારૈયા નામની યુવતીને જાહેરમાં માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જાહેરમાં યુવતી પર થયેલા જીવલેણ હુમલાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે તીવ્ર રોષ વ્યાપી ગયો હતો. આ ગુનાની તપાસ નિલમબાગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ ચલાવી આરોપી સામે મહત્વપૂર્ણ દસ્તાવેજી પુરાવા એકત્રિત કર્યા હતા. નિલમબાગ પોલીસ મથકના તપાસ અધિકારીઓએ આ કેસમાં નોંધપાત્ર ઝડપ દાખવી હતી. પોલીસે ઘટનાના બરાબર 1 મહિનામાં એટલે કે 4 ઓક્ટોબરના રોજ કોર્ટ સમક્ષ વિધિવત રીતે ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.
સામાન્ય રીતે હત્યા જેવા ગંભીર કેસમાં પોલીસ તપાસ લાંબો સમય ચાલતી હોય છે, પરંતુ પોલીસે માત્ર 1 માસમાં જ મજબૂત કાનૂની પુરાવાઓ સાથે ચાર્જશીટ દાખલ કરતાં સમગ્ર કેસની ન્યાયિક પ્રક્રિયા અત્યંત ઝડપી બની શકી હતી. ઘટના બન્યાના માત્ર 62 દિવસ પૂર્ણ થતા અદાલતે તમામ સાક્ષીઓની સુનાવણી અને પુરાવાની ચકાસણી પૂરી કરીને ફેંસલો સંભળાવ્યો છે.
ભાવનગરની મુખ્ય અદાલતમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર.વી. બુખારી સમક્ષ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અદાલતે નિલમબાગ પોલીસ દ્વારા રજૂ કરાયેલ ચાર્જશીટ અને દસ્તાવેજોને ગંભીરતાથી ધ્યાનમાં લીધા હતા. બંને પક્ષની દલીલો, સાક્ષીઓ અને પુરાવા સાંભળ્યા બાદ ડિસ્ટ્રિક્ટ જજ આર.વી. બુખારીની કોર્ટે આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીને દોષિત ઠેરવી અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી હતી.
