Bhavnagar News: રાજ્યમાં ફરી એકવાર ‘દાદાનું બૂલડોઝર’ ફરી વળ્યુ છે, આ વખતે દાદાના બૂલડોઝરની કામગીરી ભાવનગર શહેરમાં શરૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહેલા શહેરના બોરતળાવ વિસ્તારમાં આ મેગા ડિમોલેશન શરૂ કરાયું છે, હાઇકોર્ટના ચૂકાદા બાદ આજે રોડ પરથી ચાર મંદિર અને એક મસ્જિદ સહિતના દબાણોને દુર કરાયા છે.
બોરતળાવમાં કરવામાં આવેલા દબાણોને લઇને ઘણા લાંબ સમયથી ચાલી રહેલા વિવાદમાં ભાવનગર મહાનગર પાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં આવેલા બોરતળાવ વિસ્તારમાં ભાવનગર મહાનગર પાલિકાની ટીમે મેગા ડિમોલેશનની કામગીરી શરૂ કરી છે. શહેરમાં આવેલા બોરતળાવ ધોબી સોસાયટી વિસ્તારથી બેન્ક કોલોની તરફ જવાના રસ્તા પર દબાણ હટાવવામાં આવ્યુ છે. અગાઉ આ રોડ પરના દબાણને લઇને હાઇકોર્ટમાં પીટીશન ફાઇલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો
મહાનગર પાલિકાની તરફેણમાં ચૂકાદો આવ્યા બાદ આજે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન તંત્ર દ્વારા રોડ પરના ચાર મંદિરો અને એક મસ્જિદને પણ તોડી પડાઇ હતી. દબાણો દૂર કરવાની કાર્યવાહીમાં જોડાયેલા કર્મચારીઓની સુરક્ષા માટે પાલિકાની ટીમ સાથે 70થી વધુ પોલીસ જવાનો તેનાત કરવામાં આવ્યા હતા.
નોંધનીય છેકે, આ પહેલા દ્વારકા, કચ્છ અને જામનગરના કેટલાક વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરાઈ હતી. તેમજ અમુક વિસ્તારોમાં સર્વે હાથ ધરાશે અને નકશાનો અભ્યાસ કર્યા પછી પોલીસની ટીમને સાથે રાખીને તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ રહી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગેરકાયદે ઉભા કરાયેલા દબાણો અમુક વિસ્તારોમાં દૂર કરવામાં આવી રહ્યાં છે.
