અમદાવાદ: સરસપુર-રખિયાલમાં ડિમોલિશન કાર્યવાહી, RDP રોડલાઈનમાં આવતા 83 બાંધકામ પર બુલડોઝર ફર્યું

સૂચિત 700 મીટરના માર્ગને 30.50 મીટર પહોળો કરવા માટે મનપા તંત્રએ ડિમોલિશન કર્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 10 Sep 2026 02:46 PM (IST)Updated: Thu, 10 Sep 2026 02:46 PM (IST)
ahmedabad-demolition-drive-in-saraspur-rakhial-rdp-road-line-amc-encroachment
Ahmedabad demolition drive

Ahmedabad Demolition Drive: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં જાહેર રસ્તાઓ પહોળા કરવા અને દબાણ દૂર કરવાની ઝુંબેશ વધુ તેજ કરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે ઉત્તર ઝોનના સરસપુર-રખિયાલ વોર્ડમાં RDP રોડલાઈનમાં અડચણરૂપ બનતા 83 બિનરહેણાંક ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યા છે.

700 મીટર માર્ગ 30.50 મીટર પહોળો થશે

પ્રાપ્ત વિગતો અનુસાર, સરસપુર-રખિયાલ વોર્ડમાં આવેલા ત્રિકમલાલ ચાર રસ્તાથી એવરેસ્ટ ચાર રસ્તા વચ્ચેના આશરે 700 મીટર લાંબા માર્ગને રિવાઈઝ્ડ ડેવલપમેન્ટ પ્લાન (RDP) મુજબ 30.50 મીટર પહોળો કરવાનું આયોજન છે. આ માર્ગ પહોળો થવાથી વિસ્તારમાં વાહનવ્યવહાર વધુ સુગમ બનશે અને RDP નું અમલીકરણ શક્ય બનશે.

આ સૂચિત માર્ગને પહોળો કરવા માટે આજે 10 સપ્ટેમ્બર ગુરુવારના રોજ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના અંતર્ગત રોડ પર આવતા 83 બિનરહેણાંક બાંધકામને તોડી પાડવામાં આવ્યા છે. હાલમાં AMC દ્વારા શહેરમાં RDP રોડલાઈનના અમલીકરણ સાથે ફૂટપાથ અને રસ્તા પરના દબાણ હટાવવાની ઝુંબેશ વધુ આક્રમક બનાવવામાં આવી છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન થયું

RDP ના અમલીકરણ અને ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ અણબનાવ કે વિરોધ ઊભો ન થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખીને પોલીસ બંદોબસ્ત સાથે આ આખી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવી હતી.

લાલ દરવાજા વિસ્તારમાંથી દબાણો હટાવ્યા

સરસપુર-રખિયાલ ઉપરાંત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે લાલ દરવાજા સ્થિત જિલ્લા પંચાયત કચેરી સામે રસ્તા પરથી પણ સઘન દબાણ હટાવો ઝુંબેશ ચલાવી હતી. અહીં જાહેર રસ્તાઓ અને ફૂટપાથ પર વેપાર કરતા પાથરણાવાળાઓ સામે કડક કાર્યવાહી કરીને તેમનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો.