Jayraj Ahir on Bagdana Controversy: લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરે બગદાણાના નવનીતભાઈ પર થયેલા હુમલાના પ્રકરણમાં પોતાનું નામ જોડાતા મૌન તોડ્યું છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે નવનીતભાઈ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને આ આખી ઘટનાને સ્ક્રિપ્ટેડ ગણાવી છે.
ફોન કરવાનું કારણ માત્ર ગેરસમજ દૂર કરવાનું હતું
જયરાજ આહીરે જણાવ્યું હતું કે તેમણે નવનીતભાઈને ફોન ચોક્કસ કર્યો હતો, પરંતુ તેનું કારણ કોઈ ધમકી આપવાનું નહીં પણ ગેરસમજ દૂર કરવાનું હતું. બગદાણા આશ્રમના ટ્રસ્ટીઓ અને મેનેજિંગ ટ્રસ્ટી અંગે ચાલી રહેલા વિવાદને લઈને માયાભાઈ આહીરનો એક ઓડિયો વાયરલ થયો હતો. જયરાજના જણાવ્યા મુજબ, બગદાણા એક પવિત્ર યાત્રાધામ છે અને ત્યાં કોઈ વિવાદ ન થાય તે હેતુથી તેમણે નવનીતભાઈ સાથે વાત કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે એક કોમન મિત્ર દ્વારા તેમની વચ્ચેની ગેરસમજ શાંતિથી દૂર થઈ ગઈ હતી.
આક્ષેપોમાં વિરોધાભાસ અને બદનામ કરવાનું કાવતરું
હુમલાની ઘટના અંગે સવાલો ઉઠાવતા જયરાજે કહ્યું કે નવનીતભાઈએ પોલીસ પાસે 3 અલગ-અલગ નિવેદનો આપ્યા છે. હુમલો થયાના 3 દિવસ પછી મારું નામ લેવું એ આશ્ચર્યજનક છે. તેમણે આક્ષેપ કર્યો કે રાજકીય રીતે સક્રિય થઈ રહેલા લોકોને બદનામ કરવા અથવા 'સસ્તી પ્રસિદ્ધિ' મેળવવા માટે આ એક સ્ક્રિપ્ટેડ કાવતરું હોઈ શકે છે. જયરાજે સ્પષ્ટ કર્યું કે તેમનો હુમલાખોરો સાથે કોઈ સંબંધ નથી અને નવનીતભાઈ સાથે તેમને કોઈ અંગત દુશ્મની પણ નથી.
પોલીસ તપાસમાં સત્ય બહાર આવ્યું
સમગ્ર મામલે ડીવાયએસપી (DSP) દ્વારા કરવામાં આવેલી તપાસનો ઉલ્લેખ કરતા જયરાજે જણાવ્યું કે પોલીસ તપાસમાં હુમલાનું અસલી કારણ કંઈક અલગ જ બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી નાજુભાઈ કામળિયા દારૂના ધંધા સાથે સંકળાયેલ છે. નવનીતભાઈ દારૂ અને ગેરકાયદે રેતીના ધંધાની બાતમી પોલીસને આપતા હોવાની શંકા રાખીને આ 8 શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો.
પોલીસ કાર્યવાહી
પોલીસ દ્વારા સીસીટીવી (CCTV) અને કોલ ડિટેલ્સના એનાલિસિસ બાદ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નવનીતભાઈ પર થયેલા હુમલા અને માયાભાઈ કે જયરાજ આહીર વચ્ચે કોઈ સામ્યતા કે પુરાવા મળ્યા નથી. પોલીસે આ મામલે નાજુભાઈ સહિત અન્ય 8 આરોપીઓની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેમ કાદવમાં પથ્થર નાખવાથી ઉડતા છાંટા થોડા સમય માટે ગંદકી ફેલાવે છે, પરંતુ અંતે તો સત્ય જ સામે આવે છે, તેમ જયરાજે આ વિવાદને પોતાના પરિવારને બદનામ કરવાની એક કોશિશ ગણાવી છે.
