Mayabhai Ahir News: પ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના એક વિવાદાસ્પદ વીડિયો બાદ શરૂ થયેલો વિવાદ હવે લોહિયાળ બન્યો છે. માયાભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમની ભૂલનું ધ્યાન દોરનાર બગદાણાના સેવક નવનીતભાઈ બાલધિયા પર અજાણ્યા શખ્સોએ પાઈપ અને ધોકા વડે હુમલો કર્યો છે. ગંભીર રીતે ઘાયલ નવનીતભાઈને હાલ મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
શું હતો વિવાદ?
ગયા 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલીમાં માયાભાઈ આહીરનો એક ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માયાભાઈએ જાહેરાત કરતા યોગેશભાઈ સાગર માટે 'મેનેજિંગ ટ્રસ્ટી' શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતા બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીતભાઈએ માયાભાઈને ફોન કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "બગદાણામાં હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા માત્ર ટ્રસ્ટીઓ જ છે." આ વાતચીત બાદ માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને એક માફી માંગતો વીડિયો નવનીતભાઈને મોકલ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
હુમલો કરવામાં આવ્યો
નવનીતભાઈના જણાવ્યા અનુસાર, માયાભાઈનો માફીનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો હતો. તેમને મળવા માટે ફોન કરવામાં આવ્યા હતા અને રાત્રિના સમયે જ્યારે તેઓ બહાર હતા ત્યારે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. વર્ના ગાડીમાં આવેલા શખ્સોએ નવનીતભાઈનું ટ્રેક્ટર ઊભું રખાવી, ચાવી કાઢી લીધી હતી અને 'રેકી કેમ કરે છે' તેમ કહી ધોકા-પાઈપથી ફટકાર્યા હતા. થોડી જ વારમાં બીજી સ્વિફ્ટ ગાડીમાં ચાર લોકો આવ્યા હતા અને તેમણે ફરીથી પાઈપ અને ધોકા વડે નવનીતભાઈ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નવનીતભાઈને હાથ અને પગમાં ગંભીર ફ્રેક્ચર થયા છે. હુમલાખોરોએ તેમના બે મોબાઈલ ફોન અને બાઈક પણ તોડી નાખી હતી.
નવનીતભાઈ અને માયાભાઈનું નિવેદન
હોસ્પિટલના બિછાનેથી નવનીતભાઈએ જણાવ્યું કે, "ટ્રસ્ટી યોગેશભાઈ સાગર સાથે થોડો વિવાદ ચાલે છે. મેં માત્ર માયાભાઈને સત્ય હકીકત જણાવી હતી, જેના કારણે આ હુમલો કરવામાં આવ્યો છે. મેં પોલીસને ફરિયાદ આપી છે અને ન્યાયની માંગ કરી છે." બીજી તરફ, માયાભાઈ આહીરે અગાઉ જ વીડિયોમાં કબૂલાત કરી હતી કે, "મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાયો તે ખરેખર મારી ભૂલ છે. મને નવનીતભાઈએ ફોન કરીને ધ્યાન દોર્યું હતું. હું બગદાણા ટ્રસ્ટ પાસે આ ભૂલ બદલ ક્ષમા માંગુ છું."
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ બગદાણા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ હુમલા પાછળ કોનો હાથ છે અને શું આ હુમલો પૂર્વ આયોજિત કાવતરું હતું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન બગદાણામાં બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
