ભાવનગર જિલ્લાના પાલીતાણાના માયધારમાં બકરાઓ બાખડતાં બે પરિવાર વચ્ચે બબાલ થઇ હતી. સમાધાન માટે ભેગા થયા બાદ ઉગ્ર બોલાચાલી થતાં સમાધાન માટે આવેલા પરિવાર પર સામા પક્ષે હુમલો કરતા પિતા અને બે પુત્રને માર મારવામાં આવ્યો હતો. બનાવ અંગે પાલીતાણા રુરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી દ્વારા સામા પક્ષના ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
ભાવનગરના પાલીતાણાના માયધાર ગામના વીરમ માથાસુરીયાએ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 20 મેના રોજ નાનાભાઈ વિજયભાઈએ વેચેલા બકરા બાબતે થયેલા ઝગડામાં સમાધાન કરવા ભેગા થયા હતા. છ મહિના પહેલા ફરિયાદીના ભાઈ વિજયે પોતાના કુંટુંબી તુજુબેનને બકરો વેચ્યો હતો. તુજુબેન અવાર-નવાર બકરો છૂટો મુકી દેતા હતા. જે ફરિયાદીના ઘરે આવી જતો હતો અને અન્ય બકરા ભેગો ચરતો હતો. જે દરમિયાન બકરાઓ બાખડતા તુજુબેનના બકરાને પગના ભાગે ઇજા પહોંચી હતી.
આ પણ વાંચો
જેને લઇને તુજુબેને પહેલા સામાન્ય બોલાચાલી કરી હતી. આ બોલાચાલી બાદ સમાધાન માટે બન્ને પરિવાર ભેગા થયા હતા. સાંજના પાચેક વાગ્યે સમાધાનની વાતો ચાલી રહી હતી તે દરિયાન હાજર હરેશભાઇ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા હાજર રમેશભાઈ બાબુભાઈ માથાસુરીયાએ પોતાના હાથમાં રહેલી લાકડી વડે ફરિયાદીને મારવા લાગ્યા હતા.
મામલો ઉગ્ર થતાં હરેશભાઈ અને તેમનો દીકરો સંજય આવ્યા હતા અને ફરિયાદી તથા તેના ભાઈ અને પિતા સાથે બોલાચાલી કરી મારામારી કરવા લાગ્યા હતા. તે દરમિયાન ફરિયાદીના માતા અને પત્ની અને પાડોશીઓ આવી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો. જોકે જતા-જતા પણ આરોપીઓ આ વખતે બચી ગયા છો. હવે તો તમને જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
