Bhavnagar Demolition: ભાવનગરમાં નવા વર્ષની ઉજવણી કરવા 'માલ-સામાન' સપ્લાય કરતા બુટલેગર સહિતના પાંચ આરોપીનું નવું વર્ષ બગડ્યું છે. ભાવનગર પોલીસ વિભાગે શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. પ્રોહિબિશન અને શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા એક મહિલા સહિત પાંચ આરોપીના રહેણાંક મકાન વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે.
ભાવનગરમાં તંત્ર દ્વારા ડિમોલિશન કામગીરી
ભાવનગરમાં પ્રોહિબિશન અને શરીર સંબંધી ગુનાના આરોપી એવા પાંચ શખ્સોએ કરેલ દબાણ હટાવવા આજે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેર પોલીસના DySP સહિત 150થી વધુ પોલીસકર્મીઓને સાથે રાખી આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોપીઓના મકાન પર 4 જેસીબી મશીન ફરી વળ્યા હતા.
અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી
આ અંગે ભાવનગર શહેર પોલીસ DySP આર. આર. સિંઘાલે જણાવ્યું હતું કે, 'SP નિતેશ પાંડેની દેખરેખ હેઠળ ભાવનગર શહેરના સિંધુનગર, મફતનગર તથા સુભાષનગર વિસ્તારમાં બુટલેગર તથા શરીર સંબંધી ગુના કરેલા અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણના ડિમોલિશનની ડ્રાઈવ અનુસંધાને આજે 31 ડિસેમ્બર કામગીરી કરવામાં આવી છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, ભાવનગરના SP સ્થળે પહોંચ્યા
ભાવનગરના SP નિતેશ પાંડે સ્ટીલ કાસ્ટ કંપની નજીક સ્થિત મફતનગર વિસ્તારમાં ચાલી રહેલા ડિમોલિશન કામગીરીના સ્થળે પહોંચ્યા હતા. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ, મેડિકલ ટીમ, ફાયર ટીમ, PGVCL ટીમ અને 150થી વધુ પોલીસ જવાનોને સાથે રાખી આ ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પાંચ આરોપીના મકાન થયા જમીનદોસ્ત
ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તારમાં રહેતા ગીતાબેન મતનાણી પ્રોહીબીશન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. તેમનું મકાન ગેરકાયદેસર હતું, જેનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. શ્રમજીવી અખાડા પાસે આવેલા મફતનગર વિસ્તારમાં રહેતા ધવલ મકવાણનું મકાન તોડી પાડવામાં આવ્યું છે, તે શરીર સંબંધિત ગુનામાં સંકળાયેલા છે.આ ઉપરાંત શરીર સંબંધી ગુના સાથે સંકળાયેલા રજપૂતવાળા સુભાષનગરમાં રહેતો રાહુલ ઉર્ફે રોબટ રાજેશભાઇ ગોહિલ તથા મફતનગરના સ્ટીલ કાસ્ટ પાસે રહેતા રમેશ ઉર્ફે બાદશાહ તળશીભાઈ ગોહિલ અને નીતિન ઉર્ફે કાળું રમેશભાઈ તળશીભાઈ ગોહિલના મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
