Junagadh News: જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં એક નરાધમ કાકાએ પવિત્ર સંબંધોને કલંકિત કર્યા છે. સગીર ભત્રીજીના રક્ષક બનવાના બદલે ભક્ષક બનેલા આ કૌટુંબિક કાકાએ માસૂમ બાળકીને બ્લેકમેઈલ કરી વર્ષો સુધી પોતાની હવસનો શિકાર બનાવી હતી. આટલું જ નહીં, આરોપીએ ભત્રીજીના નગ્ન ફોટા પાડી તેને વાયરલ કરવાની ધમકી આપી ગંભીર ગુના આચર્યા હોવાનો પર્દાફાશ થયો છે.
બ્લેકમેઈલિંગ અને ફોટા વાયરલ કરવાની ધમકી
મળતી વિગતો મુજબ, આરોપી કાકાએ સગીરાના નગ્ન ફોટા પાડી લીધા હતા. આ ફોટા બતાવી તે ભત્રીજીને સતત ડરાવતો હતો કે જો તે આ બાબતે કોઈને જાણ કરશે, તો તે આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે. આ ધમકીના ઓથ નીચે નરાધમે લાંબા સમય સુધી સગીરાની જિંદગી રોળી નાખી હતી.
આ પણ વાંચો
ગર્ભપાત પણ કરાવ્યો હતો
આ ઘટનામાં ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે જાણવા મળ્યું કે, દુષ્કર્મને કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી. પાપ છુપાવવા માટે આરોપીએ સગીરાનો ગર્ભપાત પણ કરાવી નાખ્યો હતો. એટલું જ નહીં, પોતાની હવસ સંતોષવા માટે અને કાયદાકીય પકડથી બચવા માટે તેણે બોગસ દસ્તાવેજો ઉભા કર્યા હતા અને તેના આધારે સગીરા સાથે લગ્ન પણ કરી લીધા હતા.
પોલીસે નરાધમની કરી ધરપકડ
છેવટે, આ નરક જેવી જિંદગીમાંથી છૂટવા માટે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સગીરા દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે જૂનાગઢ પોલીસે ગુનો નોંધી આરોપી કાકાને દબોચી લીધો છે. પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. પોલીસે પોક્સો (POCSO) એક્ટ અને દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સમાજમાં દિકરીઓની સુરક્ષા અને કૌટુંબિક સંબંધો પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. લોકોમાં આ નરાધમ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી રહી છે.
