બગદાણા વિવાદઃ ભાવનગરમાં 'ન્યાય સભા'ના બેનરો ફાડી નાંખતા કોળી સમાજ લાલઘૂમ, બાઈક પર આવેલા બે ઈસમોની કરતૂત CCTVમાં કેદ

કોળી સમાજના આગેવાનોએ તાત્કાલિક મિટિંગ બોલાવી. જેમાં બેનર ફાડનારા સામે કંઈ કાર્યવાહી કરવી તેનો નિર્ણય લેવામાં આવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 29 Jan 2026 04:46 PM (IST)Updated: Mon, 02 Feb 2026 02:50 PM (IST)
cctv-captures-miscreants-nyay-sabha-meet-banners-of-koli-community-in-bhavnagar
HIGHLIGHTS
  • 1 ફેબ્રુઆરીએ કુંભારવાડામાં કોળી સમાજનું મહાસંમેલન મળવાનું છે
  • વધુ 3 વ્યક્તિઓને SITનું તેડું, નિવેદન લેવાયા

Bhavnagar, Bagdana Controversy: બગદાણામાં કોળી સમાજના યુવા સરપંચ નવનીત બાલધિયા પર થયેલા હુમલા મામલે ગુજરાતી લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજની ધરપકડ થઈ ગઈ છે. આમ છતાં કોળી સમાજ નવનીત બાલધિયાને હજુ ન્યાય નથી મળ્યો હોવાનું માની રહ્યો છે. આજ કારણોસર ભાવનગરમાં ન્યાયસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

કોળી સમાજની 'ન્યાય સભા'ના બેનર ફાડી નાંખવામાં આવ્યા
કોળી સમાજના આગેવાનું માનવું છે કે, નવનીત બાલધિયા પર હુમલો કરવા મામલે હજુ અન્ય દોષિતોની ધરપકડ નથી થઈ. આથી તેમની પણ જેમ બને તેમ જલ્દી ધરપકડ થાય તે માટે 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરના કુંભારવાડામાં કોળી સમાજનું મહાસંમેલન મળવાનું છે.

ગુજરાતના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આયોજિત કોળી સમાજની ન્યાયસભા માટે ઠેર-ઠેર બેનરો પણ લગાવી દેવામાં આવ્યા છે. જો કે ગઈકાલે ભાવનગર શહેરની સરિતા સોસાયટી વિસ્તારમાં બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમો દ્વારા 'ન્યાય સભા'ના બેનરો ફાડી નાંખવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. જેના પગલે પહેલાથી નારાજ કોળી સમાજનો રોષ વધારે ભભૂકી ઉઠ્યો છે.

કોળી સમાજની મિટિંગ મળશે
આ મામલે કોળી સમાજના યુવા આગેવાન કિશન મેરે જણાવ્યું કે, આજે બપોરે અમારા સમાજની મિટિંગ મળવાની છે. જેમાં બેનર ફાડવા બાબતે કઈ કાર્યવાહી કરવી, તેને લઈને નિર્ણય લેવામાં આવશે.

વધુ 3 વ્યક્તિઓને SITનું તેડું
નવનીત બાધલિયા પર જીવલેણ હુમલા મામલે ગુનો નોંધાયા બાદ પોલીસે 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જે બાદ આ સમગ્ર કેસની તપાસ SITને સોંપાઈ હતી. SIT દ્વારા પણ ભોગ બનનારના આક્ષેપ બાદ જયરાજ આહીર સહિત વધુ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આમ આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં 14 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે.

ગઈકાલે SIT દ્વારા બગદાણાના શૈલેષ બારૈયા, દિનેશ ઉર્ફે દિનો અને પ્રવિણ બાંભણિયાને તેડું મોકલવામાં આવ્યું હતુ. જેના પગલે તેઓ SIT સમક્ષ હાજર થયા હતા, જ્યાં તેઓના નિવેદન લેવામાં આવ્યા હતા.