Hira Solanki on Bagdana Controversy: ભાવનગરના સુપ્રસિદ્ધ બગદાણા ધામના સેવક નવનીત બધાલિયા પર થયેલા જીવલેણ હુમલા કેસમાં કોળી સમાજ એકજૂટ થઈ ગયો છે, ત્યારે આજે રાજુલા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ આ મામલે મોટું નિવેદન આપ્યું છે.
હકીકતમાં બગદાણામાં બબાલને પગલે સરપંચ નવનીત બધાલિયા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમને મળવા માટે આજે ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા હતા. જ્યાં હીરા સોલંકીનો દબંગ અવતાર જોવા મળ્યો હતો.
આ તકે હીરા સોલંકીએ જણાવ્યું કે, આપણાં કોળી સમાજે ઘણું જ સહન કર્યું છે. જો કે હવે કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય. આ નવનીત એકલો નથી, આજે આખો કોળી સમાજ તેની સાથે જ છે. હું અહીંયા એટલા માટે જ આવ્યો છું. જેથી ભવિષ્યમાં કોઈ કોળીનો ચાળો ના કરી જાય અને હું તેવું કરીને જ જવાનો છે. આપણે આ અન્યાય સામે લડવાનું છે.
માયાભાઈ આહિરના નિવેદનથી મામલો બિચક્યો
હકીકતમાં લોક કલાકાર માયા આહીરે મુંબઈના કાંદીવલીમાં એક કાર્યક્રમમાં બગદાણાધામ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. આ વીડિયો સામે આવતા નવનીત બધાલિયાએ માયાભાઈને ફોન કરીને ટકોર કરી હતી કે, બગદાણા ધામમાં માત્ર ટ્રસ્ટીઓ જ છે, કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી.
જે બાદ માયા આહીરે પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી હતી. જેનો વીડિયો બગદાણાના સેવકે વાયરલ કર્યો હતો. જેના પગલે નવનીતભાઈને સમાધાન માટે બોલાવીને અજાણ્યા ઈસમોએ લાકડી-ધોકા વડે ઢોરમાર માર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત નવનીતભાઈ હાલ હનુમંત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
