Bhavnagar News: ભાવનગર જિલ્લામાં દરિયા કિનારે વસેલું ઐતિહાસિક ઘોઘા ગામ ફરી એકવાર કુદરતી આફતનો ભોગ બન્યું છે. દરિયાના ખારા પાણીએ ગામમાં ફરી તારાજી સર્જી છે. કરોડોના ખર્ચે બનેલી પ્રોટેક્શન દીવાલ તૂટી જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
તૂટેલી પ્રોટેક્શન વોલ અંગે ગ્રામજનો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા તેનું સમારકામ કરવા અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તૂટેલી દીવાલની માલિકીનો વિચિત્ર ગૂંચવાડો પરિસ્થિતિને વધુ વણસાવી રહ્યો છે. આશરે 1100 મીટર લાંબી આ દીવાલનો અમુક હિસ્સો ગુજરાત મેરીટાઇમ બોર્ડ, અમુક જિલ્લા પંચાયત ભાવનગર, અને બાકીનો અલંગ મરીન હસ્તક છે.
આ ત્રણેય વિભાગોની સંમતિ વિના સમારકામ અશક્ય બની ગયું છે. અનેક રજૂઆતો છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા હવે જાગૃત જનતા આંદોલનના મૂડમાં છે. ગામજનોએ સરકાર પાસે આ સમસ્યાના તાત્કાલિક નિરાકરણ અને ક્ષતિગ્રસ્ત દીવાલના સમારકામ માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે.
