Bhavnagar Youth Suicide: ભાવનગરના એક આશાસ્પદ યુવાને મહારાષ્ટ્રના પ્રસિદ્ધ હરિશ્ચંદ્રગઢ સ્થિત કોંકણકડા પર્વત પરથી આશરે 1700 ફૂટ ઊંડી ખીણમાં પડતું મૂકી જીવન ટૂંકાવી લેતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃતક યુવક ટીંબા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા વિશ્વરાજસિંહ ગોહિલ હોવાનું સામે આવ્યું છે. લગ્નજીવનમાં સર્જાયેલા ગંભીર વિખવાદ અને કાનૂની વિવાદોથી ત્રસ્ત થઈને આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
મોત પૂર્વે 13 મિનિટનો વીડિયો વાયરલ કર્યો
આ પણ વાંચો
આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરતાં પહેલાં વિશ્વરાજસિંહે પર્વતની ટોચ પરથી આશરે 13 મિનિટનો એક સંવેદનશીલ વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે પોતાના લગ્નજીવનમાં ચાલી રહેલી ખેંચતાણ, માનસિક યાતના અને પોતાની સામે ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહી અંગેની ઊંડી વ્યથા વ્યક્ત કરી હતી. વીડિયોમાં તેમણે પત્ની અને સાસરી પક્ષ સામે ગંભીર આક્ષેપો પણ કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આત્મહત્યા પાછળનું કારણ?
પ્રાપ્ત વિગતો અનુસાર, વિશ્વરાજસિંહના લગ્ન 8 ફેબ્રુઆરી 2026ના રોજ થયા હતા. લગ્નના ટૂંકા ગાળામાં જ દાંપત્યજીવનમાં તિરાડ પડી હતી. ગત 12 સપ્ટેમ્બરના રોજ બંને પક્ષો વચ્ચે ઘરેલુ હિંસા સંબંધિત બાબતોને લઈ પોલીસ સમક્ષ અરજી પણ થઈ હતી. દરમિયાન 9 ઓક્ટોબરે કાનૂની પ્રક્રિયા અન્વયે કોર્ટમાં હાજરી આપ્યા બાદ તેઓ અચાનક ઘરેથી નીકળી ગયા હતા અને ત્યારબાદ આ કરુણ બનાવ સામે આવ્યો હતો.
પોલીસે કાર્યવાહી આગળ વધારી
મહારાષ્ટ્ર પોલીસે હાલ અકસ્માતે મોત (એડીઆર) દાખલ કરીને કાનૂની કાર્યવાહી આગળ ધપાવી છે. વિશ્વરાજસિંહે વાયરલ વીડિયોમાં કરેલા આક્ષેપો કેટલા તથ્યપૂર્ણ છે તે અંગે ભાવનગર અને મહારાષ્ટ્ર પોલીસ દ્વારા સ્વતંત્ર અને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
