ભાવનગરમાં પતિના ત્રાસથી કંટાળી 45 વર્ષીય પરીણિતાએ બેડરૂમમાં ખાધો ગળેફાંસો, પતિ સામે ગુનો દાખલ

ભાવનગરના સિહોરમાં પતિના શારીરિક-માનસિક ત્રાસ અને ચારિત્ર્યની શંકાથી કંટાળી 45 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. સિહોર પોલીસે પતિ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 18 Oct 2026 10:36 AM (IST)Updated: Sun, 18 Oct 2026 10:36 AM (IST)
bhavnagar-sihor-maglana-woman-suicide-husband-harassment-fir

Bhavnagar News: ભાવનગર જિલ્લામાં એક પરિણીતાએ આપઘાત કરી લીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિહોર તાલુકાના મગલાણા ગામમાં પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી જઈને 45 વર્ષની પરીણિતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂ્ંકાવી લીધું છે. પતિ અવારનવાર ચારિત્ર્ય પર શંકા રાખીને અત્યાચાર ગુજારતો હોવાના આક્ષેપ સાથે મૃતકના ભાઈએ સિહોર પોલીસ સ્ટેશનમાં બહેનને મરવા મજબૂર કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.

શું છે સમગ્ર ઘટના?

પોલીસ ફરિયાદ પ્રમાણે કચ્છ-ભુજ ખાતે રહેતા રાજેન્દ્રસિંહ જાડેજાની બહેન ધર્મીષ્ઠાબાના લગ્ન આશરે 25 વર્ષ પહેલા મગલાણા ગામના સંજયસિંહ ગોહિલ સાથે થયા હતા. લગ્નના બે વર્ષ બાદથી જ સંજયસિહ પોતાની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. પતિ પોતાની પત્ની પર સતત શંકા રાખી સગા-સંબંધાના ઘરે જવા દેતો નહોતો. પિયર પક્ષ સાથે વાત ન થાય તે માટે મોબાઈલમાં રિચાર્જ પણ કરાવતો નહોતો અને પરિવારના નંબર બ્લોક કરી દીધા હતા.

મૃતકે માતાને જણાવી વેદના

પરીણિતાએ આપઘાત કર્યો તેના 15 દિવસે તેની માતા સામે રડીને પોતાની આપવીતી જણાવી હતી. તેમજ કહ્યું કે, પતિ ચારિત્ર્યની શંકા રાખી ખૂબ જ ત્રાસ ગુજારે છે. જે હવે સહન થતો નથી અને જીવનનો અંત લાવી દેવો છે. ત્યારે માતાએ નવરાત્રિ પૂરી થયા પછી મગલાણા આવીને મામલો ઉકેલવાની ખાતરી આપી આશ્વાસન આપ્યું હતું.

પરીણિતાએ કર્યો આપઘાત

અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસના લીધે પરીણિતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. 13 ઓક્ટોબરના રોજ સાસરી પક્ષે પિયર પક્ષને પરીણિતાએ આપઘાત કર્યાની જાણ કરી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108ની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. સિહોર પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે પતિ સંજયસિંહ ગોહીલ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.