Bhavnagar New Mayor: ભાવનગર મનપામાં ભાજપનું શાસન, મેયર તરીકે ઉષાબેન તલરેજા ચૂંટાયા; કોંગ્રેસના જશુબેનને માત્ર 8 મત જ મળ્યા

ભાવનગર મહાનગર પાલિકાની પ્રથમ બેઠકમાં મેયર પદ માટે બે સભ્યોના નામની દરખાસ્ત આવતા મતદાન યોજાયું હતુ. જેમાં ભાજપના ઉષાબેન તલરેજાને 44 મત સાથે સ્પષ્ટ બહુમતી મળતા મેયર તરીકે નિમણૂંક.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 28 May 2026 06:28 PM (IST)Updated: Thu, 28 May 2026 06:28 PM (IST)
bhavnagar-to-get-new-mayor-bjp-finalising-key-bmc-posts
HIGHLIGHTS
  • ડેપ્યુટી મેયર માટે ભાજપના અશોક બારૈયા અને કોંગ્રેસના કિશન મેર વચ્ચે મુકાબલો હતો
  • ભાવનગર મનપાના દંડક તરીકે રિંકુબેન માંગુકિયાની વરણી કરવામાં આવી

Bhavnagar New Mayor Update: ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે નવી બોડીની પ્રથમ ઐતિહાસિક બેઠક મળી હતી. મનપા કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ પ્રથમ સાધારણ સભામાં લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરીને ભાવનગરના નવા પદાધિકારીઓની સત્તાવાર વરણી કરવામાં આવી છે. આ બેઠકની અધ્યક્ષતા ઇન્ચાર્જ કમિશનર ડૉ. મનીષ બંસલે કરી હતી.

સામાન્ય સભાની શરૂઆત થતાં જ સૌથી પહેલા મેયર પદ માટે બે સભ્યોના નામની દરખાસ્ત સામે આવી હતી. જેમાં ભાજપ તરફથી ઉષાબેન તલરેજા અને કોંગ્રેસ તરફથી જશુબેન બારૈયા મેદાનમાં ઉતર્યા હતા. બંને પક્ષો વચ્ચે સર્વાનુમતી ન સધાતા આખરે સભ્યો દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

મતદાનના અંતે ભાજપના ઉમેદવાર ઉષાબેન તલરેજાને 44 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના જશુબેન બારૈયાને માત્ર 8 મતોથી સંતોષ માનવો પડ્યો હતો. ભારે બહુમતી સાથે વિજેતા બનતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઉષાબેન તલરેજાની ભાવનગરના નવા મેયર તરીકે સત્તાવાર નિમણૂંક જાહેર કરવામાં આવી હતી.

નિમણૂંક પ્રક્રિયા પૂર્ણ થતાં જ નવનિર્વાચિત મેયર ઉષાબેન તલરેજાએ સભાનું અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું. જે બાદ તેમના અધ્યક્ષ સ્થાને ડેપ્યુટી મેયર પદ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

ડેપ્યુટી મેયર માટે ભાજપના અશોક બારૈયા અને કોંગ્રેસના કિશન મેર વચ્ચે સીધો મુકાબલો હતો. જેમાં ભાજપના સભ્ય અશોક બારૈયાને 43 મતોની સ્પષ્ટ બહુમતી મળતા તેઓ ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

આ ઉપરાંત મહાનગરપાલિકાની અન્ય મહત્વની જવાબદારીઓની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં શાસક પક્ષના નેતા તરીકે લાલભા વાળા અને દંડક (વ્હીપ) તરીકે રીંકુબેન માંગુકિયાની વરણી કરવામાં આવી છે. તમામ પદાધિકારીઓની વિધિવત નિમણૂંક બાદ ભાવનગર મનપાની પ્રથમ સાધારણ સભા પૂર્ણ જાહેર કરાઈ હતી. નવા હોદ્દેદારોને ચૂંટાયેલા સભ્યો, આગેવાનો અને શુભેચ્છકો દ્વારા પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.'