Ahmedabad Kidnapping Case: અમદાવાદ શહેરના મોટેરા વિસ્તારમાં ધોળા દિવસે એક પરિણીતાનું તેના ઘરમાંથી જ અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં ચારેક શખ્સો પરિણીતાને તેની સાસુની નજર સામે જ પરાણે કારમાં ઉઠાવીને લઈ ગયા હતા.
પુત્રવધુને બચાવવા વચ્ચે પડેલી સાસુને ધક્કો મારીને પાડી દીધી
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા ભીલવાસમાં રહેતી કોમલ નામની પરિણીત યુવતી ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરમાં ખાટલામાં આરામ કરી રહી હતી. આ સમયે એક ક્રેટા કાર ઘરની બહાર આવીને ઉભી રહી હતી. કારમાંથી એક યુવતી સહિત ત્રણેય યુવકો ઉતર્યા હતા અને સીધા ઘરમાં ઘૂસી ગયા હતા.
કોમલ કંઈ સમજે તે પહેલા જ તેને પકડીને બળજબરીપૂર્વક ઢસડીને ઘરની બહાર લઈ જવા માંડ્યા હતા. આ સમયે કોમલે બૂમાબૂમ કરી મૂકતાં અંદરથી તેના સાસુ શારદાબેન નાયી બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા. જો કે અપહરણકર્તાઓએ શારદાબેનને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા. તેમજ અમારી વચ્ચે ના આવતા એવી ધમકી આપીને પરિણીતાને પરાણે કારમાં બેસાડીને ભગાવી મૂકી હતી.
આ મામલે અપહ્યત પરિણીતાની સાસુએ સાબરમતી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે અહરણ અને ધમકીનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતાના અપહરણ પાછળ તેના પૂર્વ પ્રેમીનો હાથ હોવાની શંકા સેવાઈ રહી છે. પરિણીતાના અગાઉ બંટી નામના યુવક સાથે લગ્ન થયા હતા. જો કે લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે મનમેળ ના રહેતા બન્ને અલગ થઈ ગયા હતા. જે બાદ કોમલે કમલેશ નાયી નામના યુવક સાથે બીજા લગ્ન કર્યાં હતા. જો કે તેનો પૂર્વ પ્રેમી ગેવર ગુર્જન તેને સતત માનસિક ત્રાસ આપતો હોવાનો પરિવારનો આક્ષેપ છે.
હાલ તો આ સમગ્ર મામલે સાબરમતી પોલીસ મથકમાં BNSની કલમ 140(3), 333, 115(1), 54 મુજબ 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે જ CCTV ફૂટેજ, હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ એનાલિસીસના આધારે આરોપીઓની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
