Bhavnagar: શેત્રુંજી ડેમ 100 ટકા ભરાતાં 20 દરવાજા ખોલાયા; 17 ગામોને હાઈ એલર્ટ પર રખાયા

ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 100 ટકા ભરાઈ જતાં 20 દરવાજા ખોલી 4,800 ક્યુસેક પાણી છોડાયું. પાલીતાણા અને તળાજાના 17 ગામોને હાઈ એલર્ટ પર રખાયા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 19 Sep 2026 11:51 AM (IST)Updated: Sat, 19 Sep 2026 11:51 AM (IST)
bhavnagar-shetrunji-dam-100-percent-full-20-gates-opened-17-villages-high-alert

Bhavnagar News: ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન પાણીતાણા તાલુકામાં સ્થિત શેત્રુંજી ડેમ તેની મહત્તમ ક્ષમતાએ ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવકના પગલે તંત્ર દ્વારા રુલ લેવલ જાળવી રાખવા માટે ડેમના 20 દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

શેત્રુંજી ડેમ 100 ટકા ભરાયો

શેત્રુંજી ડેમ તેની મહત્તમ ક્ષમતા 34,00 ફૂટ (55.53 મીટર)ની સપાટીએ સંપૂર્ણ 100 ટકા ભરાઈ ચૂક્યો છે. ડેમનું લેવલ જાળવવા માટે ડેમના 20 દરવાજા 1 ફૂટની ઉંચાઈએ ખોલવામાં આવ્યા છે. જેથી ડેમમાંથી શેત્રુંજી નદીમાં 4,800 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે.

નદીકાંઠાના 17 ગામોને હાઈ એલર્ટ

ડેમમાંથી પાણી છોડાતાં શેત્રુંજી નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોને પૂરની શક્યતાને ધ્યાને રાખીને ભાવનગર જિલ્લા વહીવટી તંત્રે પાલીતાણા અને તળાજાના કુલ 17 ગામોને હાઈએલર્ટ પર મૂક્યા છે.

પાલીતાણા તાલુકાના લાપાળીયા, લાખવડ, નાની રાજસ્થળી, માયધાર અને મેઢા, તળાજા તાલુકાના 12 ગામો તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા, સેવાળીયા, પીંગળી, ટીમાણા, રોયલ, ભેગા દાતરડ, માખણીયા અને સરતાનપરનો સમાવેશ થાય છે.

જિલ્લા તંત્રે લોકોને કરી અપીલ

વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા કાંઠા વિસ્તારના લોકોને પૂર્ણ સાવચેતી રાખી સલામત સ્થળે રહેવા કડક તાકીદ કરવામાં આવી છે.