Bhavnagar Hooch Tragedy: ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસ અત્યંત ઝડપી અને ઊંડાણપૂર્વક આગળ ધપાવવામાં આવી રહી છે. લઠ્ઠાકાંડના મૂળ સુધી પહોંચવા અને સમગ્ર ઘટનામાં સ્થાનિક પોલીસની ભૂમિકા તપાસવા માટે SMCના IG ગગનદીપ ગંભીર અને ડીઆઈજી વિશાલકુમાર વાઘેલાએ સતત ત્રીજા દિવસે ડીસીપી કચેરીએ પહોંચીને 10 કલાકથી પણ વધુ સમય સુધી મેરેથોન પૂછપરછ હાથ ધરી છે. આ લઠ્ઠાકાંડ પહેલા અને ઘટના બાદ પોલીસની કામગીરીમાં કોઈ બેદરકારી કે બુટલેગરો સાથે સાઠગાંઠ હતી કે કેમ, તે દિશામાં વધુની સઘન તપાસ ચાલી રહી છે.
સસ્પેન્ડ થયેલા અધિકારીઓ અને આરોપીઓની સઘન પૂછપરછ
SMCની તપાસમાં જો કોઈ પોલીસ અધિકારી કે કર્મચારીની કથિત ભૂમિકા, ફરજમાં બેદરકારી અથવા ગંભીર ચૂક સામે આવશે. તો તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. તપાસ અધિકારીઓ દ્વારા જવાબદારી નક્કી કરવા માટે વિવિધ સ્તરે નિવેદનો નોંધવામાં આવી રહા છે. તપાસ અધિકારીઓ હાલ રિમાન્ડ હેઠળના આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. જેમાં હાલ રિમાન્ડ પર રહેલા 4 મુખ્ય આરોપીઓને ડીસીપી કચેરી લાવવામાં આવ્યા છે .જેમની પુછપરછમાં નવા ખુલાસાઓ થઈ શકે છે.
સસ્પેન્ડ કરવામાં આવેલા એલસીબી, વરતેજ અને નીલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઈના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરુ કરાઈ છે. ગત 25 ઓગસ્ટના રોજ અનેક પોલીસ કર્મચારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. આ દુખદ લઠ્ઠાકાંડમાં હાલ સુધીમાં 13 લોકોના અકાળે મોત થયા છે.
27 આરોપીઓ પોલીસના સકંજામાં
ભાવનગર લઠ્ઠાકાંડના તાર ગુજરાત બહાર અન્ય રાજ્યો સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. એસએમસી દ્વારા અત્યાર સુધીમાં કુલ 27 આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. ઉપરાંત મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના રહેવાસી આનંદ થાળીની મિથેનોલ સપ્લાયર તરીકેની કથિત ભૂમિકા સામે આવી છે.તેમજ લઠ્ઠાકાંડ ઉપરાંત નકલી રોયલ સ્ટેગની બોટલો વેચવાના કૌભાંડમાં ભાવનગરના સ્થાનિક બુટલેગરોની ભૂમિકા સામે આવી છે.
