Bhavnagar Accident: અમદાવાદથી બાબરા જતા બોસાણિયા પરિવારને ગુરુવારે અકસ્માત નડ્યો હતો. ભાવનગરના વલ્લભીપુરના કાનપર નજીક આઇસર ટ્રક સાથે કાર અથડાતા કારમાં સવાર પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યાં હતા. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, અમરેલી જિલ્લાના લાઠીના મતિરાળાના વતની ભુપતભાઈ રામજીભાઈ બોરસાણીયા છેલ્લા કેટલાક સમયથી બાબરા રહેતા હતા. તાજેતરમાં તેઓ અમદાવાદ આવ્યા હતા. ભુપતભાઈ, તેમનો પૌત્ર જય અને પૌત્રની પત્ની એકતાબેન એક કારમાં અમદાવાદથી બાબરા આવતા હતા. જ્યારે તેમની સાથે બીજી કારમાં ધ્રુવભાઈ અને પત્ની દૃષ્ટિબેન હતા. બન્ને કાર અમદાવાદથી બાબરા આવતી હતી. જે દરમિયાન વલ્લભીપુરના કાનપર પાસે આઇસર સાથે એક કાર અથડાઈ હતી.
આઇસર ટ્રક સાથે જે કારનો અકસ્માત થયો હતો. તેમાં ભુપતભાઈ તેમનો પૌત્ર અને પૌત્રની પત્ની સવાર હતા. ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવના પગલે લોકો એકઠા થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં ત્રણેયને સારવાર અર્થે વલ્લભીપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ભુપતભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર હાલતમાં જય અને તેના પત્ની એકતાબેનને ભાવનગર ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બન્નેના મોત નીપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. વિગતો અનુસાર, એકતાબેન ગર્ભવતી હતા અને સીમંત માટે વતન જઇ રહ્યાં હતા, જે દરમિયાન અકસ્માતનો બનાવ બન્યો હતો. બનાવ અંગે પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
