Bhavnagar Flood: ભાવનગર જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા, પાલીતાણાના ત્રણ ગામોમાંથી 31 લોકોને રેસ્ક્યુ કરાયા

પાલીતાણાના સેંજળીયા ગામેથી કુલ 19 લોકો, મોખડકા ગામેથી કુલ 11 લોકો તેમજ આકોલાળી ગામેથી 1 વ્યક્તિ એકદમ સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવેલ હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 17 Jun 2025 12:07 PM (IST)Updated: Tue, 17 Jun 2025 12:07 PM (IST)
bhavnagar-rains-31-people-rescued-from-three-flood-affected-villages-in-palitana-taluka

Bhavnagar Flood: ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં ગઈકાલથી શરૂ થયેલા વરસાદમાં આઠથી બાર ઇંચ સુધી વરસાદ વરસી ચુક્યો છે. જેના પગલે અનેક ગામોમાં પાણી ભરાયા છે. ત્યારે ગઈકાલે રાત્રે પાલીતાણા તાલુકાના કુલ ત્રણ અલગ અલગ ગામોએ રેસ્ક્યુ કરવાની જરૂરિયાત ઊભી થયેલ હતી જેમાં કુલ 31 જેટલા લોકોને તંત્ર દ્વારા સહી સલામત રેસ્કયુ કરવામાં આવ્યા હતા.

જે અન્વયે સેંજળીયા ગામેથી કુલ 19 લોકો, મોખડકા ગામેથી કુલ 11 લોકો તેમજ આકોલાળી ગામેથી 1 વ્યક્તિ એકદમ સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવેલ હતા. આ રેસ્ક્યુ કામગીરીમાં સેંજળીયા ગામે મામલતદાર, મોખડકા ગામે તાલુકા વિકાસ અધિકારી તેમજ આકોલાળી ગામે પી.આઈ. રૂરલ પો.સ્ટે. દ્વારા ઓપરેશન લીડ કરવામાં આવેલ હતું.

આ કામગીરીમાં રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ, નગરપાલિકા તથા ફાયર વિભાગ, આગેવાનો, ગામ લોકો તથા ખાનગી વાહન માલિકશ્રીઓ રત્નાભાઈ વિગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમજ સૌથી મોટી ભૂમિકા સિંચાઈ વિભાગના આશિષ બાલધીયા દ્વારા જરૂર જણાય ત્યાં ડેમના પાણીનું સ્તર ઘટાડીને કે દરવાજા બંધ કરીને પણ પાણીનો પ્રવાહ ઓછો કરવા માટે મહત્વપૂર્ણ પ્રયત્ન કરેલો હતો. આમ, આખો રાત પાલીતાણા તાલુકામાં અલગ અલગ સ્થળોએ વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો
ભાવનગર જિલ્લામાં ગત 24 કલાકમાં પાલીતાણામાં 12 ઇંચ, શિહોરમાં 11.6 ઇંચ, જેસરમાં 10.7 ઇંચ, ઉમરાળામાં 10.4 ઇંચ, મહુવામાં 9 ઇંચ, વલભીપુરમાં 6.3 ઇંચ, તળાજામાં 6.1 ઇંચ, ગારીયાધારમાં 5.9 ઇંચ, ભાવનગરમાં 3.5 ઇંચ, ઘોઘામાં 2.4 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે સવારે 10 વાગ્યા સુધીમાં ઉમરાળામાં 3.7 ઇંચ, વલભીપુરમાં 2 ઇંચ, શિહોરમાં 13 મિ.મી., ગારીયાધારમાં 3 મિ.મી., પાલીતાણામાં 1 મિ.મી. વરસાદ વરસ્યો છે.