Unseasonal Rain: ભર શિયાળાની ઋતુમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં અનરાધાર કમોસમી વરસાદ વરસતા ‘જળબંબાકાર’ જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે અને આજે સવારથી પણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે ખેડૂતો અને નીચાણવાળા વિસ્તારના લોકોની હાલત કફોડી બની છે. સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના મહુવા અને અમરેલીના રાજુલામાં નોંધાયો છે, જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેના પરિણામે ખેડૂતોને ઉભો પાક નિષ્ફળ જતાં મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે.
ભાવનગર: મહુવામાં 48 કલાકથી વરસાદી માહોલ
કમોસમી વરસાદના આંકડા મુજબ, ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ સૌથી વધુ માઝા મૂકી છે. છેલ્લા 24 કલાકમાં એકલા મહુવા તાલુકામાં 8 ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબક્યો છે, જ્યારે શિહોરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. મહુવા શહેરમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગઈકાલે સાંજથી આજે સવાર સુધી જોરદાર વરસાદ પડવાથી શહેર તેમજ ગ્રામ્યના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાસી તળાવ, પરશીવન પરા, ભવાની મંદિર રોડ, ભાદરોડના ઝાપા અને નવા ઝાંપા જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ભાવનગર જિલ્લામાં આજે સવારે ક્યાં કેટલો વરસાદ વરસ્યો
આજે સવારે 10 વાગ્યા સુધીમાં ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકામાં 3.4 ઇંચ વરસાદ નોંધાયો છે. વલ્લભીપુરમાં 3.2 ઇંચ અને જેસરમાં 2.3 ઇંચ વરસાદ નોંધાયો છે. સિહોરમાં 22 મિ.મી., ગારીયાધારમાં 19 મિ.મી., ઉમરાળામાં 17 મિ.મી., પાલીતાણામાં 13 મિ.મી., તળાજામાં 10 મિ.મી., ભાવનગર શહેરમાં 9 મિ.મી. અને ઘોઘા તાલુકામાં 2 મિ.મી. વરસાદ નોંધાયો છે.
અમરેલી: રાજુલામાં જળબંબાકાર, ડેમમાંથી પાણી છોડાયું
અમરેલી જિલ્લામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. રાજુલામાં 24 કલાકમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ નોંધાતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે પાણીની આવકને કારણે રાજુલા ધાતરવાડી ડેમ-2ને ઓવરફ્લો થતો અટકાવવા એક સાથે 19 દરવાજા ખોલવાની ફરજ પડી છે.
ડેમમાંથી પાણી છોડવામાં આવતા ધાતરવાડી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો જેવા કે, ખાખબાઈ, હિંડોરણા, વડ, રામપરા, કોવાયા, ઉછેયા, ભેરાઇ અને ભચાદર સહિતના ગામડાઓને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. ખાખબાઈ ગામમાં તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશતા ગ્રામજનો મુશ્કેલી અનુભવી રહ્યા છે.
અમરેલી જિલ્લામાં આજે સવારે ક્યાં કેટલો વરસાદ વરસ્યો
આજે સવારે 10 વાગ્યા સુધીમાં અમરેલી જિલ્લામાં તાજેતરમાં થયેલા વરસાદના આંકડા અનુસાર, રાજુલા તાલુકામાં 6.22 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, લીલીયામાં 3 ઇંચ અને સાવરકુંડલામાં 2.9 ઇંચ કમોસમી વરસાદ નોંધાયો છે. ખાંભામાં 1.7 ઇંચ અને જાફરાબાદમાં 1.2 ઇંચ વરસાદ થયો હતો. અમરેલીમાં 22 મિ.મી., ધારીમાં 19 મિ.મી., જ્યારે બગસરા અને લાઠી તાલુકાઓમાં 13-13 મિ.મી. વરસાદ પડ્યો હતો. બાબરા તાલુકામાં 6 મિ.મી. વરસાદ નોંધાયો હતો.
ગીર સોમનાથ: ઉનામાં ખેડૂતોની મગફળી પલળી ગઈ
ગીર સોમનાથના ઉના શહેરમાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસતા ધરતીપુત્રોની હાલત કફોડી બની છે. ઉના શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. એલમપુર ગામના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોએ સૂકવવા માટે પાથરેલી મગફળીના પાથરા સંપૂર્ણપણે પલળી ગયા છે. તેવી જ રીતે, સનખડા ગામના ખોખરીયાપીર વિસ્તારમાં પાણી વહેતા થતા સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે.
આ ઉપરાંત, સનખડા અને ખત્રીવાડા ગામ વચ્ચે પણ પાણી ફરી વળતા આ બંને ગામ એકબીજાથી સંપર્ક વિહોણા થયા હોવાના અહેવાલ છે, અને બંને ગામ વચ્ચેના ખેતરો પણ છલોછલ પાણીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ગત રાતથી સમગ્ર ઉના પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે.
ગીર સોમનાથ જિલ્લામાં આજે સવારે ક્યાં કેટલો વરસાદ વરસ્યો
આજે સવારે 10 વાગ્યા સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકામાં 2. ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર ગઢડા તાલુકામાં પણ 2 ઇંચ નોંધપાત્ર વરસાદ થયો છે, કોડીનારમાં 1.4 ઇંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લાના અન્ય તાલુકાઓમાં સૂત્રાપાડા અને તાલાળામાં 10-10 મિ.મી. વરસાદ નોંધાયો છે.
