Bhavnagar Police Promotion: ભાવનગર જિલ્લા પોલીસમાં વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓ માટે દિવાળીના અવસર પર ખુશીના સમાચાર સામે આવ્યા છે. ભાવનગર પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓને દિવાળીની ભેટ આપતાં જિલ્લા પોલીસ નિતેશ પાંડેય દ્વારા 106 પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવે છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના આદેશ મુજબ, હેડ કોન્સ્ટેબલમાં ફરજ બજાવતા કર્મચારીઓને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલમાં ફરજ બજાવતા કર્મચારીઓને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન અપાતા પોલીસ વિભાગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
પોલીસ વડાએ આપ્યો પ્રમોશનનો આદેશ
પોલીસ વડા નિતેશ પાંડેયએ પોલીસ વિભાગમાં નિયમ મુજબ સિનિયોરિટી અને વિશેષ કામગીરીને ધ્યાને રાખીને પોલીસ કર્મચારીઓના પ્રમોશનની યાદી જારી કરી છે. જેના આધારે ભાવનગર જિલ્લા પોલીસ સ્ટેશન, હેડક્વાર્ટર, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 55 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આપવામાં આવી છે.
51 હેડ કોન્સ્ટેબલને પ્રમોશન અપાયું
જ્યારે ભાવનગર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં વર્ષોથી ફરજ બજાવતા નિષ્ઠાવાન 51 હેડ કોન્સ્ટેબલોને પ્રમોશન આપીને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન આપ્યું છે. પોલીસ વિભાગની માહિતી પ્રમાણે, પ્રમોશન લેનારા મોટા ભાગના કર્મચારીઓને તેમના જ ડિવિઝનમાં કાર્યરત રાખીને નવી જવાબદારીઓ સોંપાઈ છે.
જેથી ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુચારુ અને વ્યવસ્થિત રીતે ચાલી શકે. જોકે, દિવાળી પર્વ આવવાનો છે ત્યારે પોલીસ કર્મચારીઓને બઢતીના ઓફિશિયલ ઓર્ડર મળતા પોલીસ પરિવારોમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
