Bhavnagar Hostel Ragging Case: ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી ખાનગી માધવ હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે મારપીટ તેમજ શારીરિક અને માનસિક હેરાનગતિ કરવામાં આવી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતાં વાલી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ, હોસ્ટેલમાં રહેતા ધોરણ 9ના વિદ્યાર્થીને મોડી રાત્રે અન્ય વિદ્યાર્થીઓ દ્વારા હેરાન કરી માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ મામલે NSUI અને યુથ કોંગ્રેસના આગેવાનોએ હોસ્ટેલ સંચાલકોનો સંપર્ક કરી વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવ્યા હતા અને જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી.
હોસ્ટેલ સંચાલકે સુરક્ષા વધારવાની ખાતરી આપી
આ માધવ હોસ્ટેલના સંચાલક નિલેશ બલદાણીયાએ જણાવ્યું હતું કે, CCTV ફૂટેજ સામે આવ્યા બાદ જે વિદ્યાર્થીઓ સામેલ હતા, તેમના વાલીઓને બોલાવી સોંપી દેવામાં આવ્યા છે. જો કોઈ સ્ટાફ કે રેક્ટરની સંડોવણી જણાશે તો સંસ્થા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
આટલું જ નહીં, આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે હોસ્ટેલમાં તાત્કાલિક રાત્રિ સુરક્ષા વધારી દેવામાં આવી છે તેમજ વિદ્યાર્થીઓની સભા બોલાવીને યોગ્ય સૂચનાઓ પણ આપવામાં આવી છે.
