Bagdana Controversy: બગદાણાના કોળી સમાજના નવનીત બાલધીયા પ્રકરણને લઈ SITની ટીમ ધીમી પરંતુ મક્કમ ગતિએ તપાસ ચલાવી રહી છે. આમ છતાંય કોળી સમાજમાં રોષ શાંત પડવાના બદલે વકરી રહ્યો છે.
આત્મવિલોપનની ચીમકી આપવાના મામલે આજે કોળી સમાજના સાત વ્યક્તિઓને તળાજા પોલીસ મથકે લવાયા હતા. બીજી તરફ આવતીકાલે તારીખ 17 ના રોજ કોળી સમાજનું સંમેલન બોલાવાયું હોવાના વાયરલ મેસેજે ખળભળાટ મચાવી દીધો છે. આગામી સમયમાં હવે સામાજિક અને રાજકીય લેવલે ગરમાવો આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
કોળી સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલાના પ્રકરણને આજે પખવાડિયું વીતી ગયું છે. તળાજામાં આવેદનપત્ર આપતી વખતે જ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે, જ્યાં સુધી મુખ્ય આરોપી પકડાશે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને નવી રણનીતિ ઘડવામાં આવશે. આ વાત હવે સત્ય ઠરતી જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા ગ્રુપોમાં વાયરલ થયેલા મેસેજ મુજબ, શનિવાર (તા. 17) ના રોજ બપોરે 4 કલાકે રામપરા રોડ પર આવેલી સમાજની વાડી ખાતે એક મોટું સંમેલન યોજાશે.
સામાન્ય રીતે જ્યારે ન્યાય ન મળે ત્યારે સ્થાનિક જનપ્રતિનિધિઓ રાજીનામાં આપતા હોય છે, પરંતુ આ કિસ્સામાં જો ન્યાય નહીં મળે તો મોટાગજાના નેતાઓના રાજીનામા માંગવામાં આવે તેવી શક્યતા છે. સોશિયલ મીડિયામાં મોટા નેતાઓના ફોટા વાયરલ કરીને તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર સુધી મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતો છતાં પરિણામ ન મળતા સમાજમાં ભારે રોષ છે.
