Bhavnagar News: ભાવનગરના ખેડૂતો માટે ખુશખબર: ઉનાળાની તરસ છિપાવવા નર્મદાનું પાણી છોડવાનો રાજ્ય સરકારનો નિર્ણય

રાજ્યના નર્મદા અને જળસંપત્તિ વિભાગ દ્વારા લખણકા ડેમમાંથી પાણી છોડવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 06 May 2026 11:46 AM (IST)Updated: Wed, 06 May 2026 11:46 AM (IST)
bhavnagar-news-gujarat-to-release-16-million-cubic-feet-water-from-lakhanka-dam-for-bhavnagar-villages

Bhavnagar News: ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ઉનાળા દરમિયાન સર્જાતી પાણીની તીવ્ર અછતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એક મહત્વનો અને લોકહિતલક્ષી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ કરવામાં આવેલી રજૂઆત બાદ, જિલ્લાના ખેડૂતો અને ગ્રામજનો માટે નર્મદાના નીર છોડવાની મંજૂરી આપવામાં આવી છે.

ચેકડેમો છલકાશે, ખેતીને મળશે નવું જીવન

રાજ્યના નર્મદા અને જળસંપત્તિ વિભાગ દ્વારા લખણકા ડેમમાંથી પાણી છોડવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયને પગલે અધેવાડા અને માલણકા જેવા નીચાણવાળા ગામોના ચેકડેમો ફરીથી ભરાશે. મંત્રી જીતુ વાઘાણીના જણાવ્યા અનુસાર, આ પગલાથી સ્થાનિક ખેતી અને પશુપાલન ક્ષેત્રને મોટો ફાયદો થશે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે જળસ્તર નીચે જઈ રહ્યા છે, ત્યારે આ જળરાશિ ગ્રામીણ અર્થતંત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

રજૂઆત અને ત્વરિત કાર્યવાહી

પાણીની આ સમસ્યા અંગે ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ મણિયા (તલવાર) એ મંત્રી જીતુ વાઘાણીનું ધ્યાન દોર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પાણીની અછતને કારણે સ્થાનિક રહેવાસીઓ અને ખેડૂતો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને મંત્રી જીતુ વાઘાણીએ તાત્કાલિક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જળ પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે પરામર્શ કર્યો હતો અને આ પ્રશ્નનો ઝડપી ઉકેલ લાવવા આગ્રહ કર્યો હતો.

જનતામાં આનંદની લહેર

મુખ્યમંત્રીના આ સકારાત્મક અભિગમ બદલ મંત્રી જીતુ વાઘાણીએ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ નિર્ણય સરકારની લોક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે ભાવનગરના ખેડૂતો અને ગ્રામજનો વતી સરકારનો આભાર માન્યો હતો. ઉનાળાના કપરા સમયમાં પાણી મળવાની ખાતરી થતા જ ગ્રામીણ વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.