Bhavnagar: સિહોરના ખાંભામાં પ્રસાદ આરોગ્યા બાદ 150 વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, દર્દીઓ વધતા ગામમાં જ હંગામી હોસ્પિટલ ઉભી કરાઈ

જમ્યા પછી તરત જ વારાફરતી લોકોને ઝાડા-ઊલટીની અસર શરૂ થઈ જતાં ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ જાણવા ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવા તજવીજ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 02 Apr 2026 05:24 PM (IST)Updated: Thu, 02 Apr 2026 05:25 PM (IST)
bhavnagar-news-food-poisoning-in-sihor-over-150-sick-after-religious-feast-in-khambha
HIGHLIGHTS
  • માતાજીના માંડવાના જમણવારમાં 200થી વધુ લોકોએ પ્રસાદ આરોગ્યો હતો

Bhavnagar: સિહોર તાલુકાના ખાંભા ગામે ધાર્મિક પ્રસંગમાં ભોજન લીધા બાદ 150થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા સમગ્ર પંથકમાં ફફડાટ મચી ગયો છે. માતાજીના માંડવામાં પ્રસાદ આરોગ્યા બાદ એકાએક અનેક લોકોની તબિયત લથડતા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગત રોજ ખાંભા ગામે માતાજીના માંડવાનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 200થી વધુ લોકોએ સાથે મળીને જમણવારમાં પ્રસાદ આરોગ્યો હતો. જો કે જમ્યાના થોડા સમય બાદ જ લોકોને ઝાડા-ઉલ્ટીની અસર શરૂ થઈ હતી. જોતજોતામાં 150થી વધુ સ્ત્રીઓ, પુરુષો અને બાળકોની તબિયત બગડતા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનાની ગંભીરતાને જોતા મોડી રાત્રે જ અસરગ્રસ્તોને સિહોરની હોસ્પિટલમાં ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.ગામમાં જ વધુ લોકો બીમાર પડતા આરોગ્ય વિભાગ દ્વારા ખાંભા ગામે તાત્કાલિક ધોરણે હંગામી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. અનેક લોકોને ગામમાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે ગંભીર જણાતા દર્દીઓને સિહોર રિફર કરવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ જાણવા માટે ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રાહતની વાત એ છે કે, અત્યારે તમામ અસરગ્રસ્તોની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે અને કોઈ જાનહાનિના સમાચાર નથી.ધાર્મિક પ્રસંગમાં બનેલી આ ઘટનાને પગલે ગામમાં શોક અને ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક નેતાઓ અને તંત્ર દ્વારા અસરગ્રસ્તોની પૂરતી દરકાર લેવામાં આવી રહી છે.