Bhavnagar: તળાજામાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, રમતા-રમતા કારમાં પુરાઈ જતાં ગુંગળાઈ જવાથી ભાઈ-બહેનનું મોત

સાંજ સુધી બાળકો ઘરે પરત ના ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી તો, ઘરનાં આંગણામાં પાર્ક કરેલી કારમાંથી ભાઈ-બહેન બેભાન હાલતમાં મળી આવ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 15 Jul 2025 10:25 PM (IST)Updated: Tue, 15 Jul 2025 10:25 PM (IST)
bhavnagar-news-brother-and-sister-died-due-to-suffocation-in-locked-car-at-talaja
HIGHLIGHTS
  • પાવઠી ગામમાં કારનો દરવાજો લૉક થઈ જતાં દુર્ઘટના બની
  • કારની લૉક સિસ્ટમ સક્રિય થતાં બન્ને બાળકો અંદર પુરાઈ રહ્યા

Bhavnagar: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામમાં અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં ઘર આંગણે પાર્ક કરેલી ફોર વ્હીલ કારમાં રમતા બે માસૂમ ભાઈ-બહેનનું ગૂંગળાઈ જવાથી કરુણ મોત નિપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પ્રાથમિક માહિતી અનુસાર, પાવઠી ગામના દીપકભાઈ સોઢાતરના બે બાળકો 6 વર્ષીય તન્વી અને 4 વર્ષીય હિત આજે બપોરના સમયે ઘરની બહાર પાર્ક કરેલી ફોર વ્હીલ કારમાં રમી રહ્યા હતા. રમતા-રમતા અચાનક કારની લોક સિસ્ટમ સક્રિય થઈ જતાં બંને બાળકો કારમાં ફસાઈ ગયા.

બપોરથી સાંજ સુધી બાળકો ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી. ભારે શોધખોળ બાદ પરિવારને ઘરના આંગણામાં પડેલી કારમાંથી બંને બાળકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા.

જેથી તાત્કાલિક બંને બાળકોને સારવાર અર્થે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. કારમાં લાંબા સમય સુધી બંધ રહેવાને કારણે ગૂંગળાઈ જવાથી તેમનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાથી સોઢાતર પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પાવઠી ગામમાં શોકનો માહોલ છવાયો છે. હાલ તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.