Bhavnagar: બગદાણા આશ્રમના સેવક પર હિચકારા હુમલા કેસમાં મોટી કાર્યવાહી, કોળી સમાજના નેતાની રજૂઆત બાદ PI ડી.વી. ડાંગરની બદલી

આજે કોળી સમાજના અગ્રણી નેતા અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પીડિત યુવકને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 01 Jan 2026 08:16 PM (IST)Updated: Thu, 01 Jan 2026 08:16 PM (IST)
bhavnagar-news-bagdana-controversy-pi-dv-dangar-transger-of-leave-reserve
HIGHLIGHTS
  • 29 ડિસેમ્બરના રોજ બગદાણા આશ્રમના સેવક ઉપર હિચકારો હુમલો થયો હતો
  • બગદાણા પોલીસ સ્ટેશનનો હવાલો મહુવાના PI કે.એસ. પટેલને સોંપાયો

Bhavnagar: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં રહેતા અને બગદાણા આશ્રમના સેવક પર ફિલ્મી સ્ટાઈલમાં જીવલેણ હુમલો કરવાના મામલે કોળી સમાજ આકરા પાણીએ થયો છે. કોળી સમાજના રોષને જોતા બગદાણા PI ડી.વી. ડાંગરની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે.

સાહિત્યકાર માયાભાઈ ટિપ્પણી બાદ હુમલો થયો હોવાનો આક્ષેપ
ગત 24 ડિસેમ્બરના રોજ ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનો મુંબઈના કાંદીવલીમાં કાર્યક્રમ હતો. જેમાં માયાભાઈએ બગદાણા આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી વિશે ટિપ્પણી કરી હતી. આથી બગદાણા આશ્રમના સેવક નવનીત બધાલિયાએ માયાભાઈ આહીરને ફોન કરીને તેમને પોતાની ભૂલ સમજાવી હતી.

જેના પગલે માયાભાઈ આહીરે પોતાની ભૂલ સ્વીકારીને માફી પણ માંગી હતી. એવામાં જ માયાભાઈના પુત્ર જયરાજ આહીર દ્વારા નવનીત બધાલિયાને ફોન કરવામાં આવ્યો હતો. જે બાદ 29 ડિસેમ્બરના રોજ મોણપર ગામ નજીક આઠેક જેટલા શખ્સોએ
નવનીત બધાલિયા પર લાકડી અને ધોકા લઈને તૂટી પડ્યા હતા.

આ હુમલામાં ઈજાગ્રસ્ત નવનીત બધાલિયા હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. બીજી તરફ આ મામલે બગદાણા પોલીસે 8 જેટલા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધીને 6ની ધરપકડ કરી છે.

હીરા સોલંકીની રજૂઆતના પગલે બગદાણા PIને લીવ રિઝર્વ કરાયા
આ બનાવના પગલે કોળી સમાજમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. એવામાં આજે કોળી સમાજના કદ્દાવર નેતા અને ભાજપ ધારાસભ્ય હીરા સોલંકી પીડિત યુવકને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે હુમલાખોર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ સાથે જ તેમણે બગદાણા PI ડી.વી.ડાંગરની તાત્કાલિક બદલી કરવા માટે મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રીને મળીને રજૂઆત કરવા જણાવ્યું હતુ.

કોળી નેતાની માંગને પગલે બગદાણા PI ડી.વી. ડાંગરની તાત્કાલિક લીવ રીઝર્વ ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે તેમની જગ્યાએ મહુવાના PI કે.એસ. પટેલને બગદાણા પોલીસ સ્ટેશનનો હવાલો સોંપવામાં આવ્યો છે.