Bhavnagar Crime News: ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન વિસ્તારમાં હિંસક જૂથ અથડામણની ઘટના સામે છે. અગાઉના ઝઘડા અને અંગત અદાવતના પગલે વડલી ચોકડી પાસે અલગ-અલગ સમાજના બે જૂથ આમને સામને આવી ગયા હતા. પહેલા બોલાચાલી બાદ મારામારી થતા ભોળાભાઈ ચાવડા નામના યુવકનું ગંભીર ઈજાઓને કારણે મોત થયું છે, જ્યારે અન્ય 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે.
જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે અથડામણ
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, અગાઉ થયેલા ઝઘડા અને અંગત અદાવતને લઈને મહુવાની વડલી ચોકડી પાસે બે જૂથો વચ્ચે વિવાદ થયો હતો. શરૂઆતમાં થયેલી બોલાચાલી ધીમે ધીમે ઉગ્ર બની અને ત્યારબાદ બંને પક્ષો વચ્ચે મારામારી અને હુમલો થયો હતો. હિંસક અથડામણમાં આશરે પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી.
એક યુવકનું મોત, અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા
આ અથડામણમાં ભોળાભાઈ ચાવડા નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અથડામણમાં અન્ય 3 વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને પણ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
આ ઘટનાની માહિતી મળતાં મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના PI અને PSI સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. વધુમાં, ઈજાગ્રસ્તોની પૂછપરછ શરૂ કરી અને ઘટનાની વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ, અથડામણ બાદ વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ પોલીસ ટીમોએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. અથડામણ પાછળનું ચોક્કસ કારણ, તેમાં સંડોવાયેલા લોકો અને ઘટનાક્રમ અંગે વધુ વિગતો તપાસ બાદ સામે આવશે.
