ભાવનગર: કુંભારવાડામાં સ્પ્રેની બોટલમાં બ્લાસ્ટ બાદ ભડકી આગ, એક જ પરિવારના 9 સભ્યો દાઝ્યા

પ્રાથમિક માહિતી મુજબ, સ્પ્રેની બોટલોમાંથી લોખંડના બૂચ કાઢવાની કામગીરી દરમિયાન બ્લાસ્ટ થયો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 23 Nov 2026 07:23 PM (IST)Updated: Mon, 23 Nov 2026 07:23 PM (IST)
bhavnagar-kumbharwada-spray-bottle-blast-fire-incident-many-family-members-injured

Bhavnagar News: ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ભંગારમાં આવેલી સ્પ્રેની બોટલો તોડતી વખતે બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી. આ ઘટનામાં એક જ પરિવારના ચાર બાળકો અને મહિલાઓ સહિત કુલ 9 સભ્યો દાઝ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી.

સ્પ્રેની બોટલમાં બ્લાસ્ટ થયા બાદ ભડકી ઉઠી આગ

આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર, ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં મિલની ચાલીમાં શેરી નંબર-3 પાસે ભંગારની સ્પ્રેનીબોટલો તોડવાની કામગીરી ચાલુ હતી. જેમાં બોટલની અંદર રહેલા લોખંડના બૂચ હથોડી વડે કાઢવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન એક બોટલ તોડતી વખતે અચાનક બ્લાસ્ટ થયો અને આગ ફાટી નીકળી હતી.

બ્લાસ્ટ બાદ આસપાસ હાજર લોકો આગની લપેટમાં આવી જતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગતા લોકો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા અને પાણી નાખીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.

એક જ પરિવારના 4 બાળકો સહિત 9 સભ્યો દાઝ્યા

સ્પ્રેની બોટલોમાં બ્લાસ્ટ બાદ લાગેલી આગમાં એક જ પરિવારના કુલ 9 સભ્યો દાઝી ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તબીબો દ્વારા તેમની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. જેમાં:

  • દલપતભાઈ લાલજીભાઈ (ઉંમર 35 વર્ષ)
  • કંચનબેન દિલીપભાઈ (ઉંમર 29 વર્ષ)
  • દિલીપભાઈ લાલજીભાઈ ચીભડીયા (ઉંમર 30 વર્ષ)
  • કાનાભાઈ દલપતભાઈ ચીભડીયા (ઉંમર 5 વર્ષ)
  • નિહાર દલપતભાઈ ચીભડીયા (ઉંમર 5 વર્ષ)
  • નંદનીબેન કિશનભાઈ (ઉંમર 12 વર્ષ)
  • રોહિતભાઈ કિશનભાઈ (ઉંમર 13 વર્ષ)
  • સોહિલભાઈ મેરિયા (ઉંમર 28 વર્ષ)
  • કમુબેન સોહિલભાઈ મેરિયા (ઉંમર 27 વર્ષ)

ફાયર અને પોલીસ વિભાગનો કાફલો સ્થળે પહોંચ્યો

ફાયર ઓફિસર યશ મોઢે જણાવ્યું હતું કે, ભાવનગર ફાયર કંટ્રોલ રૂમમાં બપોરે 4:44 કલાકે કોલ મળ્યો હતો કે કુંભારવાડા વિસ્તારમાં મિલની શેરી નંબર-3 ના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કોઈ કારણોસર આગ લાગી છે. આ માહિતી મળતાં હેડક્વાર્ટર ફાયર સ્ટેશનની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.

ચંદ્રદીપભાઈ બાબરીયા નામના સ્થાનિક વ્યક્તિએ ટેલિફોનિક માધ્યમથી જાણ કરી હતી કે ઘટનામાં સ્થાનિક લોકો દાઝી ગયા છે અને તેમને એમ્બ્યુલન્સ મારફતે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે આગની જ્વાળાઓ જોવા મળી નહોતી.

પ્રત્યક્ષદર્શી મહિલાએ વર્ણવી ઘટનાની ભયાનકતા

પાડોશી અને પ્રત્યક્ષદર્શી કમુબેને સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે, ભંગારનો વ્યવસાય કરતા લોકો સ્પ્રેની બોટલો ભરેલા થેલા લાવ્યા હતા. આ બોટલોમાં રહેલા લોખંડના બૂચ કાઢવા માટે હથોડી વડે બોટલો ફોડી અને ભાગો અલગ કરવામાં આવતો હતો. આ દરમિયાન અચાનક ભડકા થયા હતા. ત્યારબાદ બધી બોટલોમાં આગ લાગી ગઈ હતી અને બોટલોના ટુકડા ઉડવા લાગ્યા હતા.

કમુબેનના જણાવ્યા મુજબ, સાંજે આશરે 5:30 વાગ્યાની આસપાસ અચાનક થયેલા ધડાકાને કારણે વિસ્તારમાં લોકોને એવું લાગ્યું કે કોઈએ બોમ્બ ફેંક્યો છે. આથી લોકો બાળકોને લઈને દોડવા લાગ્યા. કેટલાક લોકો સળગતી હાલતમાં બહાર દોડતા જોવા મળ્યા હતા. સ્થાનિકોએ પાણી નાખીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગની લપેટમાં લોકોને બચાવવામાં મુશ્કેલી પડી હતી.

ઈજાગ્રસ્ત યુવકે કહ્યું, બોટલો ફોડી રહ્યા હતા અને...

આ દુર્ઘટનામાં દાઝી ગયેલા યુવક સાહિલે જણાવ્યું હતું કે, તેઓ એલ્યુમિનિયમની અત્તરની એટલે કે સ્પ્રેની બોટલો ફોડીને તેમાંથી હવા અને ગેસ કાઢવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ભડકો થયો હતો. જોકે, આ ભડકો કયા કારણોસર થયો તેની જાણ નથી. આ ભંગાર કાકા ક્યાંકથી લાવ્યા હતા. આ દુર્ઘટનામાં તેમના એક જ પરિવારના 7થી 8 જેટલા સભ્યો દાઝી ગયા છે.