Bhavnagar News: ભાવનગરના વરતેજમાં ઘરેલુ કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી દીધાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધને લઈને પત્ની સાથે વિવાદ થતો હતો. તો 19 માર્ચના રોજ સવારના સમયે પતિએ ગળું દબાઈને પત્નીને મોતને ઘાટ ઉતારી દીઘી હતી. જેનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થતાં જ મૃતકના પિતાએ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.
દીકરીએ કોર્ટ મેરેજ કરતા પરિવારે સંબંધ તોડ્યો
ઘટના અંગે સિહોરના મઢડા ગામના રહેવાસી જોરસંગભાઈ દેહાભાઈ ડોડીયાએ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી મુજબ, તેમની પુત્રી અલ્પાની બાળપણથી જ વરતેજ ખાતે રહેતા અર્જુન કાળુભાઈ પરમાર સાથે સગાઈ કરવામાં આવી હતી. અર્જુન અને તેના પરિવારજનોએ લગ્નનો સમય નજીક આવતા ઉતાવળ કરી હતી.
જોકે, અલ્પાના પરિવારે એક વર્ષ પછી લગ્ન કરવાનું જણાવ્યું હતું. જે દરમિયાન મૃતક અલ્પા અને આરોપી અર્જુન ઘરેથી જતાં રહ્યા હતા. તા. 26/9/2016ના રોજ કોર્ટ મેરેજ કરી લીધા હતા. પુત્રી અલ્પા સાસરિયામાં જ રહેતી હતી. તેમજ તેને સંતાનમાં 2 દીકરા છે. અલ્પાએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોવાથી માતા-પિતા તથા પરિવારના અન્ય સભ્યોએ કોઈ સંબંધ રાખ્યો ન હતો.
મૃતકે ભાઈને આપવીતી જણાવી
વરતેજ ખાતે આવેલા એક લગ્ન પ્રસંગમાં અલ્પાએ તેના ભાઈઓ સમક્ષ પોતાનું દુ:ખ વર્ણવ્યું હતું. અલ્પાએ કહ્યું કે, તેના પતિ અર્જુનને બીજી યુવતી સાથે પ્રેમસંબંધ છે. તે યુવતીને ઘરમાં બેસાડવાની વાત કરે છે, જેના વિરોધમાં બોલતા તે માર મારે છે. તેને પિયરમાં કોઈનો સહારો નથી અને તે બાળકો સાથે ક્યાં જાય? તેવો પ્રશ્ન ઉભો થયો છે. આરોપી અર્જુન બીજી યુવતી સાથે ભાવનગર ખાતે રહે છે.તે ક્યારેક ઘરે આવતો હતો. અલ્પાને ઘરખર્ચ માટે પૈસા આપતો નહોતો. અલ્પા પોતે સાડીમાં ટીકા ભરીને પોતાનું અને બાળકનું ભરણપોષણ કરતી હતી.
સાસરિયાઓએ હાર્ટ એટેકથી મોત થયાનું કહ્યું
19 માર્ચના રોજ બપોરે યુવતીના પિતા જોરસંગભાઈને તેમના ભત્રીજા મુનેશનો ફોન આવ્યો હતો. તેણે જણાવેલ કે, વરતેજથી તેમના જમાઈએ જણાવેલ છે કે અલ્પાનું મોત થયું છે.સાસરિયાઓ તરફથી હાર્ટ એટેકથી મોત થયાનું કારણ દર્શાવાયુ છે. અલ્પાના પરિવારજનોને શંકા ઉપજતા તેમણે પોસ્ટમોર્ટમ બાદ અંતિમવિધિની માંગ કરી હતી,અલ્પાના મૃતદેહને વરતેજ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
જ્યાં તેના શરીર પર ગળા અને અન્ય ભાગો પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. મૃતદેહને સર ટી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે, કોઇ વસ્તુથી અલ્પાનું ગળુ દબાવીને હત્યા કરાઈ છે. સત્ય સામે આવતાં જ વરતેજ પોલીસે આરોપી પતિ અર્જુનસિંહ પરમાર સામે બીએનએસ કલમ 103(1) હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરાઈ છે.
