Bhavnagar: કુંભારવાડામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, રૂ. 2.5 લાખનું રો-મટીરિયલ બળીને ખાખ

ભાવનગરના કુંભારવાડામાં એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં અઢી લાખ રૂપિયાથી વધુનો પ્લાસ્ટિકનો જથ્થો અને રો મટીરિયલ બળીને ખાખ થઈ ગયું, જોકે કોઈ જાનહાનિ થઈ નથી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 11 Nov 2026 08:38 PM (IST)Updated: Wed, 11 Nov 2026 08:38 PM (IST)
bhavnagar-fire-massive-blaze-erupts-at-plastic-factory-in-kumbharwada-due-to-short-circuit

Bhavnagar: ભાવનગરના કુંભારવાડામાં આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આગના કારણે ફેક્ટરીમાં રહેલ પ્લાસ્ટિકનો જથ્થો તેમજ રો મટીરિયલ બળીને ખાખ થઈ જતાં માલિકને અઢી લાખ રૂપિયાથી વધુનું આર્થિક નુકસાન થયું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભાવનગરમાં રહેતા શૈલેષ જોગીની શહેરના કુંભારવાડા વિસ્તારમાં સ્મશાનની પાછળ પ્લાસ્ટિક પ્રોડક્શનની ફેક્ટરીમાં ગઈકાલે શોર્ટ સર્કિટ થતાં આગ ભડકી હતી. ફેક્ટરીમાં રહેલા પ્લાસ્ટીકના જથ્થા અને રો મટીરિયલના કારણે આગે જોત-જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં દૂર-દૂર સુધી આગની જ્વાળાઓ સાથે ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

બીજી તરફ આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યાં ફાયર ફાઈટરોએ સતત 2 કલાક સુધી 36 હજાર લીટર જેટલો પાણીનો મારો ચલાવીને ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ફેક્ટરીમાં રાખેલ પ્લાસ્ટિકનો જથ્થો તેમજ રો-મટીરિયલ સળગી જતાં માલિકને અઢી લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.