Bhavnagar News: ભાવનગર જિલ્લામાં આજ રોજ 25 સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કુલ 738.09 કરોડના 79 જેટલા વિકાસલક્ષી કામોની અનોખી ભેટ સોંપવાના છે. ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગર મનપા, પ્રાદેશિક કમિશનર નપા કચેરી સિવાય નવનિર્મિત જિલ્લા કલેક્ટર કચેરીના વિકાસ કાર્યોનું ખાત મૂહુર્ત સિવાય ઈ લોકાર્પણ પણ કરવાના છે. જેને પગલે આજ રોજ ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
જિલ્લાને વિવિધ વિકાસ કામોની ભેટ
આજ રોજ ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરોડોના વિકાસ કામોની ભેટ આપવાના છે. જેના ઉપક્રમે મેઘાણી ઓડિટોરિયમ ખાતે ભાનગર મનપાના રુ. 621.63 કરોડના ત્રીસેક જેટલા કામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. તેની સાથે સાથે રુ. 33 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આધુનિક કલેક્ટર કચેરીનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ વિવિધ કામોમાં શહેરના વિકાસને લગતાં પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
સવારથી પોલીસ વિભાગ ખડેપગે
સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાવનગર શહેરમાં આવવાના છે. તેને લઈને શહેરના આતાભાઈ ચોક, રુપાણી સર્કલ, વાધાવાડી રોડ ,એરપોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ પોલીસ બંદોબસ્તમાં ભાવનગર શહેરના રેન્જ આઈજી, એસપી, એક એએસપી, 10 પીઆઈ, 31 પીએસઆઈ, 300 હોમગાર્ડ્સ સહિત 500 પોલીસ જવાનો બંદોબસ્તમાં ખડે પગે રહેવાના છે.
